Mumbai

સલીમ ડોલા દુબઈની મિલ્કતો વિશે પોલીસને ગોળ ગોળ ફેરવે છે

By GS Team
16 Jun 20262 mins read
સલીમ ડોલા દુબઈની મિલ્કતો વિશે પોલીસને ગોળ ગોળ ફેરવે છે

ડ્રગ કેસની તપાસને આડે પાટે ચઢાવવાનો પ્રયાસ

માદક દ્રવ્યોની હેરાફેરીના પૈસાથી ખરીદેલી મિલકતો પહેલેથી જ વેચાઈ ગઈ હોવાનું જણાવ્યું

મુંબઈ -  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ બાદ તાજેતરમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવેલ કુખ્યાત ડ્રગ તસ્કર સલીમ ડોલા પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ાૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન ડોલાએ દાવો કર્યો હતો કે તેણે દુબઈમાં માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ કરીને કથિત રીતે ખરીદેલી મિલકતો પહેલેથી જ વેચાઈ ગઈ છે. ડોલાના આ દાવા બાદ તપાસકર્તાઓએ દાવાની ચકાસણી કરવાનો અને સંપત્તિઓ સાથે જોડાયેલા નાણાકીય  વ્યવહારો શોધવાનો પ્રયાસ શરૃ કર્યો છે.

તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ડોલા કથિત રીતે અયાન શેખના નામથી તુર્કીમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તેની વિદેશની ગતિવિધિઓ, નાણાકીય વ્યવહારો અને નાર્કોટિક્સ નેટવર્કસાથેના સંભવિત આંતરરાષ્ટ્રીય સંબંધોની તપાસ કરી રહ્યા છે. ડોલાની ક્રાઈમ બ્રાન્ચના અનેક યુનિટો દ્વારા અલગ- અલગ કેસોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૃઆતમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ- ૭એ સાતારા ડ્રગ ફેકટરી કેસમાં તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ યુનિટ- ૨ દ્વારા મૈસુર ડ્રગ ફેકટરી કેસમાં ૩૦ મે સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.

અદાલતી કસ્ટડીમાં મોકલ્યા પછી ડોલાને બાદમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ- ૩ની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. યુનિટ- ૩ હાલમાં અંધેરી સ્થિત ઉદ્યોગપતિ સાજિદ ઈલેકટ્રિકવાલાને સંડોવતા અપહરણ અને ખંડણી કેસમાં ડોલાની કથિત રીતે ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.