Mumbai

બળબળતા ઉનાળામાં માટીના માટલાના વેંચાણમાં બમણો વધારો

By GS Team
25 Apr 20262 mins read
બળબળતા ઉનાળામાં માટીના માટલાના વેંચાણમાં બમણો વધારો

કુદરતી રીતે ઠંડા થયેલા પાણીથી પાચનમાં ફાયદો

સાઈઝ પ્રમાણે ૧૫૦થી ૩૦૦નો ભાવઃ પક્ષીઓના પાણી માટેનાં પાત્રનું વેચાણ પણ વધ્યું

મુંબઇ - અમેરિકા- ઇરાન યુદ્ધને લીધે રાંધણ ગેસની કટોકટી સર્જાતા હોટેલો અને રેસ્ટોરાંવાળા તેમ જ હોસ્ટેલની મેસવાળા ચૂલા ઉપર રાંધવાનું શરૃ કરતા ધારાવીના કુંભારવાડામાં માટીના ચૂલા અને સગડીઓના વેંચાણમાં જબરો વધારો થયો છે. એવી જ રીતે જ્યારથી મુંબઇમાં કાળઝાળ ગરમી શરૃ થઇ  છે ત્યારથી માટીના માટલાના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે.

માર્ચ  મહિનાથી જ તાપમાન વધવા માંડતા મુંબઇગરાઓ કુદરતી રીતે ઠંડા થતા માટલાનું પાણી પીવા માંડયા છે. કારણ કે રેફ્રિજરેટરમાં ઠંડુ થયેલું પાણી પીવાથી તરસ છીપતી નથી અને સતત ગળામાં સોસ પડે છે. જ્યારે નૈસર્ગિક રીતે ઠંડુ થયેલું પાણી પીવાથી સંતોષ થાય છે. ડોક્ટરો અને આયુર્વેદાચાર્યો પણ ફ્રિઝને બદલે માટલાનું પાણી પીવાની સલાહ આપે છે. કારણ કે માટલાના પાણીથી પાચનતંત્રને ફાયદો થાય છે અને એકદમ ઠંડુ ફ્રિઝનું પાણી પીવાથી પાચનતંત્રને નુકસાન થાય છે.

ઘાટકોપર, કુર્લા, ધારાવી, દાદર, માટુંગા અને કાંદિવલી- બોરીવલી વિસ્તારના વિક્રેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયા દરમિયાન માટલાના વેંચાણમાં બમણો વધારો થયો છે. ૧૦થી ૧૨ લીટરની ક્ષમતાવાળા માટલા લગભગ ૧૫૦થી ૨૫૦ રૃપિયામાં વેંચાય છે. જ્યારે મોટા માટલા ૨૦૦થી ૩૦૦ રૃપિયે વેંચાય છે. હવે તો સુંદર ડિઝાઇનવાળા અને નાની ટાંકી જેવાં મોડર્ન માટલા પણ ઊંચી કિંમતે વેંચાય છે. માટલામાંથી પાણી ઝરતું હોય છે, બહારની હવા લાગે એટલે અંદરના પાણીને ઠંડુ રાખે છે. આમ કુદરતી રીતે માટલાનું પાણી ઠંડુ રહે છે. હવે તો અનેક હાઉસિંગ સોસાઇટીઓમાં મકાનના પ્રવેશદ્વાર પાસે જ નળવાળા માટલા રાખવામાં આવે છે. આવી જ રીતે પક્ષીઓ પાણી પી શકે એ માટેના માટીના પાત્રોનું પણ ઘણું વેચાણ થાય છે. લોકો પ્લાસ્ટિકની બોટલને બદલે સરસ મજાની બોટલો વાપરે છે. ધારાવીના કુંભારવાડામાં ઘડાતા માટલા આખા મુંબઇમાં પહોંચતા હોય છે.