Mumbai

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સચિન વાઝેને સાડા પાંચ વર્ષ બાદ જામીન

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: 2021ના એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરણ હત્યા કેસમાં NIA કોર્ટે પૂર્વ પોલીસકર્મી સચિન વાઝેને સાડા પાંચ વર્ષે જામીન આપ્યા. કોર્ટે UAPA હેઠળ આતંકવાદનો કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળતા નોંધી. અંબાણી પરિવાર ભયભીત થયો હોવાના કોઈ પુરાવા રેકોર્ડ પર નથી, તેમ જણાવાયું. મનસુખ હિરણની હત્યા આતંકવાદી કૃત્યનું સીધું પરિણામ નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સચિન વાઝેને સાડા પાંચ વર્ષ  બાદ જામીન

મનસુખ હિરણની હત્યા આ કૃત્યનું સીધું પરિણામ નથીઃકોર્ટ

 વિસ્ફોટકથી ભરેલી એસયુવીથી અંબાણી પરિવાર ભયભીત થયો હોવાનું દર્શાવતું કશું રેકોર્ડ પર નહીં હોવાનું કોર્ટે નોંધ્યું

પાંચ વર્ષે નિવેદન લેવા માટે હજુ મુહૂર્તની રાહ જુઓ છો તેવો પ્રશ્ન કરી એનઆઈએની ઝાટકણીઃ આ કેસમાં વાઝે સિવાય બધાને જામીન મળી ચૂક્યા છે

મુંબઈ -  ૨૦૨૧ના એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરણ હત્યા કેસમાં મંગળવારે એક ખાસ એનઆઈએ કોર્ટે ભૂતપૂર્વ પોલીસ કર્મચારી સચિન વાઝેને સાડા પાંચ વર્ષના જેલવાસ બાદ જામીન આપ્યા હતા અને કહ્યું કે ફરિયાદ પક્ષ તેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ આતંકવાદનો પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.

 સ્પેશિયલ સેશન્સ જજ ચકોર એસ બાવિસ્કરે જણાવ્યું હતું કે રેકોર્ડ પર એવું કંઈ નથી કે એવું અનુમાન કરી શકાય કે અંબાણી પરિવાર કોઈપણ રીતે ભયભીત થયો હતો. 

૨૫ ફેબુ્રઆરી, ૨૦૨૧ ના રોજ, દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવી મળી આવી હતી. પાંચ માર્ચ, ૨૦૨૧ ના રોજ થાણેના પડોશી વિસ્તારમાં એક ખાડીમાં એસયુવીના માલિક ઉદ્યોગપતિ મસનુખ હિરણનો મૃતદેહ મળી આવ્યો હતો.

કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા કડક યુએપીએની અરજી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને નોંધ્યું કે એજન્સી અંબાણી પરિવારના કોઈપણ સભ્યના નિવેદનો રેકોર્ડ કરવામાં નિષ્ફળ રહી છે જે સાબિત કરે કે તેઓ ભયભીત થયા હતા. એજન્સી પાંચ વર્ષે પણ હજી નિવેદન રેકોર્ડ કરવાનું મુહૂર્ત જોઈ રહી છે, એવી ટકોર કોર્ટે કરી હતી.

 એવું કંઈ રેકોર્ડ પર નથી કે કલ્પનાના કોઈપણ ભાગ દ્વારા અનુમાન લગાવી શકાય કે અંબાણી અથવા તેમાંથી કોઈ પણ ક્યારેય કોઈપણ રીતે ભયભીત થયું હતું, એમ આદેશમાં જણાવાયું હતું. 

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ આજ સુધી, અંબાણી પરિવારના રોજિંદા કામકાજમાં એક મિનિટ માટે પણ ખલેલ પડી હોય તેવું લાગતું નથી.  જોકે ફરિયાદ પક્ષના મતે  સચિન વાઝે આતંક મચાવ્યો હોવો જોઈતો હતો અથવા આરોપીના કૃત્યથી અંબાણી પરિવારના મનમાં આતંક ફેલાવવાની શક્યતા હતી, પરંતુ રેકોર્ડ પર એવું કંઈ નથી,એવું અવલોકન કરવામાં આવ્યું હતું.  વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી એસયુવીમાં મળેલા જિલેટીન સ્ટિકમાં ડિટોનેટરનો અભાવ હતો, જેના કારણે તે વિસ્ફોટ માટે નકામા બની ગયા અને યુએપીએની કલમ ૧૫ હેઠળ  આતંકવાદી કૃત્યને વર્ણવવા  માટે જરૃરી  માધ્યમો પૂરા નથી કરી શક્યા.

ઉદ્યોગપતિ મનસુખ હિરણની હત્યાનો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું હતું કે તે એક માનવ વધની ઘટના હતી, પરંતુ તે આતંકવાદી કૃત્યનું સીધું પરિણામ નહોતી.

 કોર્ટે નોંધ્યું હતું કે તે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ એક સ્વતંત્ર ગુનો છે, જે યુએપીએની જોગવાઈઓના કડક જામીન પ્રતિબંધોને બાયપાસ કરે છે.

 કોર્ટે વાઝેની જામીન અરજી મંજૂર કરી  તેને ૧ લાખ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ અને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો.  વાઝે સામે ભ્રષ્ટાચાર અને ઈડીના અન્ય કેસ પણ  છે, ભ્રષ્ટાચારના કેસમાં તેને જામીન મળી ગયા છે. વાઝેના વકિલના જણાવ્યા મુજબ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વાઝે જેલમાંથી બહાર આવી શકશે.

ફરિયાદ પક્ષે વાઝ અને અન્ય લોકો પર ફેબુ્રઆરી અને માર્ચ ૨૦૨૧ વચ્ચે આતંકવાદી ગેંંગ બનાવવાનો અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.

કેસમાં એકમાત્ર આરોપી વાઝેનેે જામીન મળ્યા નહોતા, જ્યારે  અન્ય આરોપીમાં માજી પોલીસ અધિકારી પ્રદીપ શર્મા, સુનીલ માને અને રિયાઝુદ્દીન કાઝી સહિત મોટાભાગના આરોપી જામીન પર છે. કેસમા ંપહેલી ઓગસ્ટે આરોપ ઘડવામાં આવ્યા હતા. ભારતીય દંડ સંહિતા અનુસાર હત્યા, ખંડણી, પુરાવા નષ્ટ કરવા અને ગુનાહિત કાવતરું રચવા જેલા આરોપો હેઠળ કેસ ચાલશે.