Mumbai

કાર્ટર રોડ પર રોટવિલર ડોગનો જોગર પર હુમલોઃ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરાવવી પડી

By GS Team
12 Jun 20262 mins read
કાર્ટર રોડ પર રોટવિલર ડોગનો જોગર પર હુમલોઃ  રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરાવવી પડી

કોઈ ઉશ્કેરણી વિના એકદમ નીચે પાડીને બચકાં ભરી લીધાં

ગુપ્તાંગના ભાગે ૩ કલાક લાંબી સર્જરી કરાવાઈઃ ડોગ માલિક તથા હેન્ડલર સામે ગુનો દાખલ

મુંબઈ -  બાંદરાના કાર્ટર રોડ વિસ્તારમાં સોમવારે એક  રોટવિલર કૂતરાએ એક જોગર  યુવાન પર હુમલો કર્યો હતો અને તેમને પછાડી તેમના ગુપ્તાંગ પર બચકાઓ ભર્યા હતા. આ ઘટના બાદ ગંભીર ઈજા પામેલા ૩૯ વર્ષીય જોગરના ગુપ્તાંગ પર ત્રણ કલાક લાંબી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ ખાર પોલીસે કૂતરાના માલિક અને તેની સંભાળ રાખનાર હેન્ડલર સામે પૂરતી સાવચેતી ન રાખવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૃ કરી હતી.

આ  બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ૩૯ વર્ષીય જોગર જેઓ સાંતાક્રુઝમાં રહે છે અને કન્ટેન્ટ રાઇટર છે તેઓ સોમવારે સાંજે સાત વાગ્યે કાર્ટર રોડ પ્રોમેનડ પર જોગિંગ કરવા નીકળ્યા હતા. જોગિંગ કર્યા બાદ તેઓ થોડો સમય માટે આરામ કરવા એક બેન્ચ પર બેઠા હતા. આ સમયે હુમલો કરનાર રોટવિલર પ્રજાતિનો કૂતરો પણ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે રોટવેઇલરનું મોઢું ડોગ મઝલથી બંધ કરવામાં આવ્યું નહોતું. આ દરમિયાન શાંત લાગતા કૂતરાએ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કૂતરાએ તેમને નીચે પાડી તેમના ગુપ્તાંગ પર બચકાઓ ભર્યા હતા. હેન્ડલરે રોટવિલરને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ કંઈ કરી શક્યા નહોતા. લોહીલુહાણ થઈ અસહ્ય પીડામાં હોવા છતાં પીડિતે તરત જ એક રાહદારીને તેમનો ફોન આપી તેમની પત્નીને ફોન કરી ઘટનાની જાણ કરવા જણાવ્યું હતું.

આ ઘટના બાદ પીડિતને બાંદરા (વેસ્ટ)માં આવેલી  એક ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પીડિતને ગુપ્તાંગ પર ગંભીર ઈજા થઈ હોવાથી મંગળવારે તેમના ગુપ્તાંગ પર ત્રણ કલાક લાંબી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના બાદ પીડિતના નિવેદનના આધારે ખાર પોલીસે કૂતરાના હેન્ડલર સાહિલ અને માલિક યોગેશ સામે કલમ ૨૯૧ (કબજામાં રહેલા પ્રાણીની પૂરતી સાવચેતી ન રાખવી) અને ૧૨૫ (બી) (ઉતાવળ અને બેદરકારીભર્યું કૃત્ય) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

રોટવિલરનાં સંવર્ધન, વેચાણ પર પ્રતિબંધ મૂકાયો હતો પણ સ્ટે આવ્યો

કેન્દ્રીય મસ્ત્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે માર્ચ ૨૦૨૪માં એક જાહેરનામું બહાર પાડયું હતું જેના ખતરનાક અને હિંસક ગણાતી કૂતરાઓની ૨૩ પ્રજાતિઓની આયાત, સંવર્ધન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ યાદીમાં રોટવિલરને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ આ જાહેરનામાને વિવિધ ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો અને સ્ટે આપવામાં આવ્યો હતો.