Mumbai

રિસ્ટોર થયેલી 'પાકીઝા' ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
મીનાકુમારીની ક્લાસિક ફિલ્મ 'પાકીઝા' 4K રિસ્ટોરેશન સાથે યુ.કે. અને ફ્રાન્સના ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. 1972ની આ ફિલ્મ 'ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન' દ્વારા બે વર્ષના પ્રયાસ બાદ પુનર્જીવિત કરાઈ છે. મૂળ નેગેટિવને થયેલા નુકસાન છતાં, આ કમાલ અમરોહીની માસ્ટરપીસ નવી પેઢીને મીનાકુમારીનો જાદુ માણવાની તક આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિસ્ટોર થયેલી 'પાકીઝા'  ભવ્ય જાગતિક પ્રીમિયર માટે  તૈયાર

મીનાકુમારીની ક્લાસીક માસ્ટરપીસ ૪કેમાં પાછી ફરશે

યુ.કે. અને ફ્રાન્સમાં ફેસ્ટીવલો ખાતે નવી પેઢીને કમાલ અમરોહીની અમર કૃતિ 'પાકીઝા' જોવાની તક મળશે

મુંબઈ -  મીનાકુમારી અભિનિત ૧૯૭૨ની આઈકોનિક ક્લાસીક પાકીઝાને ૪કેમાં રિસ્ટોર કરવામાં આવી છે અને લિયોન, ફ્રાન્સ તેમજ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટીવલમાં ફેસ્ટીવલ લ્યુમીર ખાતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્ક્રીનિંગ માટે તૈયાર છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએફ) દ્વારા કરાયેલ બે વર્ષના સંઘર્ષયુક્ત રિસ્ટોરેશન કાર્યએ મૂળ ફિલ્મી સામગ્રીને થયેલી ગંભીર ક્ષતિઓ છતાં કમાલ અમરોહીની પ્રસિદ્ધ માસ્ટરપીસને પુનર્જીવિત કરી છે.

મૂળ કેમેરા નેગેટીવ લગભગ ઓગળી ગઈ હોવાથી રિસ્ટોરેશન કાર્ય અતિશય પડકારજનક બન્યું હતું જ્યારે અન્ય બચી ગયેલા ઘટકોના રંગ ઉડી ગયા હતા, ઘસરકા થઈ ગયા હતા અને તેના પર ફૂગ જામી ગઈ હતી. એફએચએફના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંઘ ડુંગરપુર અને તેમની ટીમે સંદર્ભ માટે મૂળ ફિલ્મની તસવીરોનો ઉપયોગ કર્યો તેમજ અમરોહીના સંતાનો તજદાર અને રુખસારની સલાહ લીધી, જેમના સેટ પરના સંસ્મરણોએ ફિલ્મસર્જકની મૂળ કૃતિને ફરી સજીવ કરવામાં સહાય કરી.

પાકીઝાની પોતાની પંદર વર્ષોની એક અસાધારણ અને અડચણોથી ભરેલી સફર રહી હતી. ૧૯૫૦ના દાયકામાં મીના કુમારીને ધ્યાનમાં રાખીને શરૃ કરવામાં આવેલી આ કલાકૃતિએ નિર્માણ દરમ્યાન કાસ્ટિંગમાં અનેક ફેરફાર, પટકથામાં વારંવાર બદલાવ, સ્ટુડિયોમાં આગ  અને સૌથી વધુ કમાલ અમરોહીની ચોકસાઈના આગ્રહનો સામનો કરવો પડયો. જો કે કમાલ અમરોહી અને મીના કુમારી છુટા પડયા પછી પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો, પણ ૧૯૬૯માં સુનીલ દત્ત અને નરગીસે બીમાર મીનાકુમારીને ફિલ્મ પૂર્ણ કરવા સમજાવી લીધી.

૪ ફેબુ્રઆરી, ૧૯૭૨ના રોજ રિલીઝ થયેલી પાકીઝાએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી અને તેની રજૂઆતના બે મહિનાથી ઓછા સમયમાં જ મીના કુમારીનું અવસાન થયું. હવે સિનેમેટીક માસ્ટરપીસ ગણાતી પાકીઝા મીના કુમારી ઉપરાંત અશોક કુમાર, રાજ કુમાર, વીણા સહિતના તેના કલાકારોના પરફોર્મન્સ, સુંદર દ્રશ્યો અને 'ચલતે ચલતે', 'ઈન્હીં લોગોને', 'મૌસમ હૈ આશિકાના' તેમજ 'થાડે રહીઓ' જેવા યાદગાર ગીતોને કારણે અવિસ્મરણીય બની ગઈ છે. તેના રિસ્ટોરેશને સુનિશ્ચિત કર્યું છે કે નવી પેઢી મીના કુમારીના જાદુ અને કમાલ અમરોહીની સૌથી મહાન કલાકૃતિને માણી શકશે.