Mumbai

મુંબઈના પીએસઆઈ સામે વારંવાર બળાત્કારની ફરિયાદ

By GS Team
27 May 20262 mins read
મુંબઈના પીએસઆઈ સામે વારંવાર બળાત્કારની ફરિયાદ

સ્પર્ધાત્મક પરીક્ષા વખતે મૈત્રી થઈ હતી

પીએસઆઈ બન્યા બાદ લગ્નનો ઈનકારઃ યુવતી સગર્ભા બનતાં ગર્ભપાત કરાવવા દબાણ

મુંબઈ  -        સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે એક યુવતી સાથે મિત્રતા કરી લગ્નનું વચન આપી વારંવાર બળાત્કાર ગુજારનારા મુંબઈ પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર સામે  કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા પછી તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

 આ અંગે એક યુવતીએ પુણેના વારજે માલવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ  પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરુણ વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારનો ગુનો  દાખલ કરવામાં આવ્યો છે.

    પોલીસે આપેલી માહિતી મુજબ  પીડિતા અને આરોપી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એકબીજાને ઓળખતા હતા. યુવતી એક બેંકમાં કામ કરતી હતી. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે સમયે તેની મુલાકાત આરોપી યુવાન સાથે થઈ હતી. બંને બે વર્ષ સુધી વારજે માલવાડી વિસ્તારમાં સાથે રહેતા હતા. તેણે યુવતીને લગ્નનું વચન આપ્યું હતું અને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.યુવતી સગર્ભા બની ત્યારે તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું.

    આરોપી  યુવકની તાજેતરમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થઈ હતી. તેની મુંબઈ પોલીસ દળમાં નિમણૂક થઈ હતી. તે હાલમાં કુરાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થયા પછી યુવતીએ તેને લગ્ન કરવા વિશે પૂછયું હતું. પરંતુ તે તેને ટાળવા લાગ્યો હતો. છેવટે  આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.  આથી યુવતીએ  પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ વારજે માલવાડી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.