7 પેઢી યાદ રાખે તેવા હાલ કરશું, રણવીર, રોહિત શેટ્ટીને ફરી ધમકી

બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે નવી ઓડિયો ક્લિપ મોકલી
રણવીર અને રોહિત શેટ્ટીના સ્ટાફ પર હુમલાની પણ ધમકીઃ પોલીસ દ્વારા અપાયેલાં રક્ષણની હાંસી ઉડાવી
મુંબઇ - લોરેન્સ બિશ્નોઇની ગેંગ બોલીવૂડના નિર્માતાઓ અને સ્ટાર પાછળ હાથ ધોઇને પડી ગઇ હોય તેમ બિશ્નોઇ ગેંગના એક સભ્ય હેરી બોક્સરે અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીને નિશાન બનાવતી એક નવી ઓડિયોક્લિપ બહાર પાડી છે. ગેંગસ્ટરે આવી રેકોર્ડિંગ ત્રીજીવાર જારી કરી છે જેમાં બોલીવૂડના દિગ્ગજોને ખુલ્લે આમ ધમકી આપવામાં આવી રહી છે.
નવા ઓડિયો સંદેશમાં બોક્સરે પોતાને લોરેન્સ બિશ્નોઇ સિન્ડિકેટના સભ્ય તરીકે ઓળખાવી ખાસ કરીને રણવીર સિંહ પર ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું છે કે અભિનેતા કથિત રીતે પોતાની વાતથી ફરી ગયો છે. બોક્સરે રણવીર સિંહને એવી ધમકી આપી હતી કે 'આગામી સાત પેઢીઓ યાદ રાખશે તેવો પાઠ ભણાવશું' આ સાથે જ વધુ ચિંતાજનક વાત એ કે ધમકી આપનારે રણવીર સિંહના સ્ટાફને પણ નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.
બોક્સરે ઓડિયો ક્લિપમાં એવો દાવો કર્યો છે કે તેની પાસે સિંહના મેનેજરો અને કર્મચારીઓના પરિવારો તેમના ઓફિસના સમય અને તેમના રહેઠાણો વિશેની પણ વિગતવાર માહિતી છે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેંગનો હેતું અભિનેતાને 'પાઠ ભણાવવા' પહેલા તેમના સ્ટાફને નિશાન બનાવવાનો છે જે સૂચવે છે કે સ્ટાર્સની નજીકના લોકોને નુકસાન પહોંચાડવું એ તેમના સંકલ્પને તોડવા માટેની એક વ્યુહાત્મક ચાલ હતી.
ગેંગસ્ટરે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી અને સમગ્ર બોલીવૂડ સમુદાય નિશાન તાકતા જણાવ્યું હતું કે ''લાઇન પર આ જાવ, અગર નહીં આયે તો બાદમે દેખના ક્યાં કરતે હે હમલોગ'' આ સાથે જ બોક્સરે વધુ ધમકી આપતા પોલીસ સુરક્ષા મેળવવાના નિર્ણયની પણ મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે પોલીસને ધમકીઓની જાણ કરવાથી સિન્ડિકેટની પહોંચ અટકશે નહીં.
છેલ્લા થોડા સમયમાં બિશ્નોઇ ગેંગ દ્વારા આવી જ ધમકીઓ મળ્યા બાદ બોલિવુડ હાઇ-એલર્ટ પર હોવાથી સુરક્ષા તપાસ એજન્સીઓએ આ ઓડિયો ક્લિપની વિશ્લેષણનું કામ હાથ ધર્યું છે. મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાંચે આ પહેલા રોહિત શેટ્ટીની પૂછપરછ કરી હતી જેમાં તેણે તેને આવી ધમકી આ પહેલા ક્યારેય મળી ન હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વોઇસ નોટને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી આ અવાજ સાચે જ હેરી બોક્સરનો જ છે કે કેમ તેની તપાસ શરૃ કરી છે. આ મામલે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે અને આરોપીઓનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે. રણવીર સિંહની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.









