Mumbai

આરકે ફેમિલિ ટ્રસ્ટમાં પ્રિયા કપૂરની દખલ અંદાજી અટકાવવા રાની કપૂર સુપ્રીમમાં

By GS Team
14 May 20262 mins read
આરકે ફેમિલિ ટ્રસ્ટમાં પ્રિયા કપૂરની દખલ અંદાજી અટકાવવા રાની કપૂર સુપ્રીમમાં

આજે રાની કપૂરની અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

મહાભારતની લડાઇ પણ નાની લાગે તેવા જંગમાં આપણે પ્રવેશી રહ્યા હોઇએ તેવું લાગે છેઃ બેન્ચનું નિરીક્ષણ

ગયા વર્ષે જુનમાં ઉદ્યોગપતિ સંજય કપૂરના મૃત્યુ બાદ તેમની ૩૦,૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિના વારસા માટે સંજય કપૂરની માતા રાની કપૂર, સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા કપૂર અને સંજય કપૂર પાસેથી ડાઇવોર્સ મેળવનારી પત્ની કરિશ્મા કપૂરના સંતાનો સમાયરા અને કિયાન વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાનુની લડાઇમાં એક ઓર અરજીની સુનાવણી આજે કરવામાં આવશે. લવાદની પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી આરકે ફેમિલિ ટ્રસ્ટની કાર્યવાહીમાં પ્રિયા કપૂર તથા અન્યો દખલઅંદાજી ન કરે તેવો આદેશ મેળવવા માટે રાની કપૂરે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે ૭ મેના રોજ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડની આ કેસમાં મધ્યસ્થી કરવા માટે લવાદ તરીકે નિમણૂક કરી હતી. મંગળવારે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાનની બેન્ચ સમક્ષ આ બાબત આવતાં બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે મહાભારતની લડાઇ પણ નાની લાગે  તેવા જંગમાં આપણે પ્રવેશી રહ્યા હોઇએ તેવું લાગે છે.

નવી અરજીમાં રાની કપૂરે પ્રિયા કપૂર સામે આક્ષેપ કર્યો  હતો કે આ વિવાદીત ટ્રસ્ટ મારફતે પ્રિયા કપૂર તથા અન્યો કેટલીક કંપનીઓ તથા સંપત્તિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. લવાદની પ્રક્રિયા દરમ્યાન સંપત્તિની ટ્રાન્સફર કરવામાં આવે તેવો પણ ભય આ અરજીમાં વ્યકત કરવામાં આવ્યો હતો. રાની કપૂરે તેથી ટ્રસ્ટના કામકાજમાં પ્રિયા કપૂર તથા અન્ય હસ્તક્ષેપ ન કરે તેવો આદેશ અદાલત આપે તેવી માંગણી અરજીમાં કરી હતી.

રાની કપૂરે તની અરજીમાં જણાવ્યું હતું કે તેના સદગત પતિ સુરિન્દર કપૂરની તમામ સંપત્તિની એ એકમાત્ર વારસદાર છે. જ્યારે આરકે ફેમિલિ ટ્રસ્ટની રચના કરવામાં આવી ત્યારે તેની સંપત્તિને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરિન્દર કપૂર સોના ગુ્રપ ઓફ કંપનીઝ સહિત વિવિધ બિઝનેસીસના પ્રમોટર હતા. સંજય કપૂરે પણ તેના અવસાન સુધી રાની કપૂરને કદી જણાવ્યું નહોતું કે તેના તમામ અધિકારો, સંપત્તિ અને વારસામાંથી તેને ફારેગ કરવામાં આવી છે અને આરકે ફેમિલિ ટ્રસ્ટની રચનાની કોઇ નકલ કદી આપવામાં આવી નથી.