Mumbai

એક સમયે મુંબઈમાં સર્વાધિક ઊંચાઈ ધરાવતું રાજાબાઈ ટાવર 148 વર્ષે પણ અડીખમ

By GS Team
17 Apr 20262 mins read
એક સમયે મુંબઈમાં સર્વાધિક  ઊંચાઈ ધરાવતું રાજાબાઈ ટાવર 148 વર્ષે પણ અડીખમ

પ્રેમચંદ રાયચંદે પાંચ લાખનું દાન આપ્યું અને માતાના નામે ટાવર રચ્યું

ગાંધીજી જન્મ્યા એ જ વર્ષે ૧૮૬૯માં શીલાન્યાસ થયો પછી નવ વર્ષ બાદ ૧૮૭૮માં ખુલ્લુું મૂૂકાયું ઃ   ૨૮૦ ફૂટ ઊંચું  રાજાબાઈ ટાવરે ૨૦૧૮થી યુનેસ્કો હેરિટેજ

મુંબઇ -  વિશ્વભરમાં ૧૮ એપ્રિલનો દિવસ 'વર્લ્ડ હેરિટેજ ડે' તરીકે ઉજવાય છે. શહેરની વર્લ્ડ હેરિટેજ સાઈટની વાત કરીએ તો મુંબઈની સીએસએમટી સ્ટેશન ઈમારત સાથે જ મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસનું ઐતિહાસિક રાજાબાઈ ક્લોક ટાવર એ શહેરના સમૃદ્ધ વારસાગત પરંપરાનું ગૌરવપૂર્ણ પ્રતીક બનીને સામે આવે છે. વિક્ટોરિયન-ગોથિક શૈલીમાં બનેલું રાજાબાઈ ટાવર આજે પણ મુંબઈની ઓળખ અને ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે.

રાજાબાઈ  ક્લોક ટાવરની ડિઝાઇન પ્રખ્યાત બ્રિટિશ આકટેક્ટ સર જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે તૈયાર કરીં હતી. તેનો શિલાન્યાસ ૧ માર્ચ, ૧૮૬૯ના રોજ કરવામાં આવ્યો હતો અને તેનું નિર્માણકાર્ય નવેમ્બર ૧૮૭૮માં પૂર્ણ થયું હતું. લગભગ દાયકાના સમયગાળા દરમિયાન બનેલા આ ટાવરનું નિર્માણ ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદ દ્વારા કરવામાં આવેલા આશરે ૫.૫ લાખ રૃપિયાના ખર્ચથી થયું હતું. ટાવરનું નામ તેમની માતા રાજાબાઈના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

આ ટાવર આશરે ૨૮૦ ફૂટ (૮૫ મીટર) ઊંચું છે અને તેનું નિર્માણ મુખ્યત્વે કુર્લા પથ્થરથી કરવામાં આવ્યું છે. તેમાં વેનેશિયન અને ગોથિક આકટેક્ચરનું સુંદર સંયોજન જોવા મળે છે. મુંબઈ યુનિવસટીના ફોર્ટ કેમ્પસમાં આવેલા આ ટાવર સાથે લાઇબ્રેરી અને કોન્વોકેશન હૉલ પણ આ ઐતિહાસિક પરિસરનો મહત્વપૂર્ણ ભાગ છે. એક સમય એવો હતો જ્યારે આ ટાવર મુંબઈનું સૌથી ઊંચું મકાન ગણાતું હતું. જ્યારે આજે આ ઈમારત અન્ય કેટલીય ઈમારતોની વચ્ચે ખોવાઈ ગઈ હોય તેવું ઘણીવાર લાગે છે.

૨૦૧૮માં રાજાબાઈ ક્લોક ટાવર અને મુંબઈ યુનિવસટીના કેમ્પસને યુનેસ્કોની 'વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ ઓફ મુંબઈ' યાદીમાં સ્થાન મળ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય માન્યતા મુંબઈના વૈશ્વિક વારસાને નવી ઓળખ આપનાર બની છે અને આ પ્રકારની ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણનું મહત્વ પણ દર્શાવે છે.

'વર્લ્ડ હેરિટેજ ડે'ના અવસરે, આ ઐતિહાસિક સ્મારક મુંબઈના ગૌરવપૂર્ણ ભૂતકાળ અને વૈભવી આકટેક્ચરનું પ્રતિક બનીને ઉભું છે. ૧૪૦ વર્ષથી વધુ સમય બાદ પણ રાજાબાઈ ક્લોક ટાવર આજે પણ શહેરના ઇતિહાસને જીવંત રાખે છે અને ભવિષ્યની પેઢીઓને આવા કલાના નમૂના સમાન ઉત્તમ વારસાની સાચવણી માટે પ્રેરણા આપે છે.