મોબાઈલના કોલ રેકોર્ડ તથા લોકેશન ડેટા પણ વેચવાનું રેકેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ગેંગ ઝડપાઈ, ઝારખંડ-બિહારના પોલીસકર્મી પણ સામેલ
ચોરાયેલા-ખોવાયેલા મોબાઈલ શોધી આપવાની જાહેરાતો કરતા હતાઃ ફોન શોધવા ગેરકાયદેસર રીતે કોલ અને લોકેશન રેકોર્ડ મેળવતા હતા
મુંબઈ - મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં કાર્યરત આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરતા બે કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ગેરકાયદેસર રીતે કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર), સબસ્ક્રાઇબર ડિટેલ રેકોર્ડ્સ (એસડીઆર) અને લાઇવ લોકેશન ડેટા મેળવવા અને સપ્લાય કરવામાં સંડોવાયેલી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ઝડપાયેલા બે કોન્સ્ટેબલ ઝારખંડ અને બિહાર પોલીસ દળના છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર એક આરોપીની ધરપકડ બાદ આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીએ ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ફોન મેળવી આપવા માટે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી પ્રચાર કર્યો હતો.
આરોપીએ પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેકટર સંજય તરીકે આપી હતી. ઘણા લોકોએ તેનો મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો હતો. આરોપીએ તેમના ખોવાયેલા મોબાઈલ ફોન શોધવાના બહાને પૈસા પડાવ્યા હતા.
આ બાબતની જાણ થયા બાદ છેવટે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટની એક ટીમે ગુપ્ત માહિતીના આધારે જોગેશ્વરી (પશ્ચિમ)માંથી મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. તેના બે મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે તે ખોવાયેલા ફોન શોધવા માટે તેના સહયોગીઓ પાસેથી ગેરકાયદેસર રીતે એસડીઆર, લોકેશન ડેટા અને સીડીઆર મેળવી રહ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ડેટા-સપ્લાય લિંક સાથે જોડાયેલા નવ વ્યક્તિઓની ઓળખ થઈ હતી.
જેના આધારે મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા સિન્ડિકેટ સભ્યોમાં ઝારખંડ અને બિહાર પોલીસ વિભાગના બે સક્રિય કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્ક દ્વારા આશરે ૫૦ સીડીઆર, ૫૨૦થી વધુ એસડીઆર, ૫૫૦થી વધુ મોબાઇલ નંબરો માટે લોકેશન ડેટા અને ૪૨૦થી વધુ આઇએમઇઆઈ નંબરો અંગે ગુપ્ત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કેસના સંદર્ભમાં સાત મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
આ મામલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ ઉમેર્યું કે બાકીના આરોપીને પકડવા માટે તપાસ ચાલુ છે.




