Mumbai

નવી મુંબઇમાં હડકાયા કૂતરાનો હાહાકાર ઃ ૧૨ જણને કરડયું

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
નવી મુંબઈના કામોઠે સેક્ટર-10માં એક હડકાયા કૂતરાએ 12 લોકોને બચકાં ભર્યા હતા. બે બાળકોને બચાવવા જતા 64 વર્ષીય કૃષ્ણાજી મ્હાત્રે નામના સિનિયર સિટીઝન લોહીલુહાણ થયા હતા. તેમણે હિંમતભેર બાળકોને બચાવ્યા હતા. આ ઘટના બાદ પાનવેલ પાલિકાએ રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી મુંબઇમાં હડકાયા કૂતરાનો હાહાકાર ઃ ૧૨ જણને કરડયું

બે બાળકોને બચાવવા જતા સિનિયર સિટીઝન ઘાયલ

કામોઠે સેક્ટર ૧૦માં અચાનક જ આવેલાં કૂતરાંએ બચકાં ભરવા માંડયાઃ પાલિકાની દોડધામ

મુંબઇ - નવી મુંબઇમાં કામોઠેના સેક્ટર નંબર ૧૦માં હડકાયા કૂતરાએ હાહાકાર મચાવી દીધો હતો. કૂતરુ એક પછી એક ૧૨ જણને કરડતા દોડધામ મચી ગઇ હતી. આ વખતે બે બાળકોને બચાવવા જતા સિનિયર સિટીઝનને આ કરડકણા કૂતરાએ લોહીલુહાણ કરી નાખ્યા હતા.

સોમવારે  સાંજને સમયે સેક્ટર -૧૦માં ઓચિંતા આવી ચડેલા શ્વાને એક પછી એક જણને બચકાં ભરવા માંડયા હતા. એક નાના બાળકને ગળા ઉપર બચકું ભર્યું હતું. બાળકે ચીસાચીસ કરી મૂકતા દૂર ઉભેલા કૃષ્ણાજી મ્હાત્રે નામના ૬૪ વર્ષના સિનિયર સિટીઝન તરત દોડી ગયા હતા અને બાળકનો બચાવ કર્યો હતો. આથી કૂતરાએ નજીકમાં બીજા એક બાળક પર હુમલો કર્યો હતો. કૃષ્ણાજી હિમ્મત હાર્યા વિના બીજા બાળકને બચાવવા દોડયા હતા. અને કૂતરાને રીતસર ઉપાડીને દૂર ફગાવતી વખતે કૂતરાએ તેમના હાથમાં લોચો તોડી લીધો હતો. આને લીધે વૃદ્ધજન લોહીલુહાણ થઇ ગયા છતાં બે બાળકોને દૂર મૂકી આવ્યા હતા. ત્યાર પછી તેમને ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આસપાસના લોકોએ કરડકણા શ્વાનને મારીને ભગાડયો હતો.

આ ઘટના બાદ સફાળા જાગેલા પનવેલ પાલિકા તંત્રે કામોઠેના  સેક્ટર- ૧૦ અને સેક્ટર-૧૧માં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ આદરી હતી.