Mumbai

આરટીઆઈ અરજી પાછળનો હેતુ જણાવવાની જોગવાઈ છેવટે રદ

By GS Team
23 Jun 20262 mins read
આરટીઆઈ અરજી પાછળનો હેતુ જણાવવાની જોગવાઈ છેવટે રદ

વિવાદ થતાં ૭ જ દિવસમાં મહારાષ્ટ્ર સરકારની પીછેહઠ

આરટીઆઈ એક્ટને પાંગળો બનાવવાના આક્ષેપ થયા હતાઃ કેન્દ્રના કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી

મુંબઈ -  મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આરટીઆઈ હેઠળ અરજી કરવા માટે આ અરજી શા માટે કરી છે તે હેતુ જણાવવાનું ફરજિયાત બનાવતી એક જોગવાઈ કરી હતી. જોકે, આવી જોગવાઈથી અરજી કરનારાઓ નિષ્ક્રિય થશે અને આરટીઆઈ એક્ટ પાંગળો  બનશે તેવા એક્ટિવિસ્ટસના આક્ષેપ બાદ ફક્ત એક જ સપ્તાહમાં સરકારે આ જોગવાઈ પાછી ખેંચી લીધી છે.

૧૨મી જૂને   જાહેર  કરાયેલા  રુલ્સમાં  ૧૯મી જૂનને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી)એ સુધારો કર્યો હતો અને નવા નિયમ હેઠળ અગાઉ બનાવાયેલું અરજીપત્રક બદલી કાઢયું હતું.  જૂના રુલ્સમાં અરજીનો હેતુ જણાવવા લખાયું હતું પરંતુ હવે નવા સુધારામાં તે જોગવાઈ કાઢી નાખવામાં આવી છે.

આરટીઆઈ એકટ, ૨૦૦૫નાં મૂળ હાર્દ  સાથે આ જોગવાઈ (હેતૂ પૂછવાતી) સુસંગત નથી તેવી ટીકા પારદર્શિતાના એક્ટિવિસ્ટોએ અને કાયદાકીય નિષ્ણાતોએ કરી હતી તે પછી સરકારે વિવાદાસ્પદ જોગવાઈ પાછી ખેંચી છે.

કેન્દ્ર સરકારનો આરટીઆઈ એકટના સેકશન ૬ (૨) અનુસાર 'માહિતી મેળવવાની વિનંતી કરવામાં અરજદારને કોઈ કારણ આપવાની જરૃર નથી.'

એક આરટીઆઈ એક્ટિવિસ્ટે કહ્યું કે 'જો હેતુ જણાવવાનું ફરજિયાત કરવું કાયદાની રીતે બરાબર હોય તો એક સપ્તાહમાં પાછું કેમ ખેંચવું પડયું? જો તે કાયદાની રીતે ટકી શકે તેમ ન હોયતો મૂળ જાહેરનામામાં તેનો સમાવેશ કેમ કરાયો હતો?'

આરટીઆઈ રુલ્સ, ૨૦૨૬નો મુસદ્દો ઘડતી વખતે કાયદેસર ચકાસણી વ્યવસ્થિત રીતે થઈ ન હતી તેવો આક્ષેપ એક્ટિવિસ્ટે કર્યો હતો.

માહિતી મેળવવા પાછળનો હેતૂ પુછતા પ્રશ્નની જોગવાઈ તો હટાવામાં આવી છે પણ હજુ અન્ય કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ઓળખનો  પુરાવો આપવાની અને જે માહિતી પૂછવામાં આવી રહી છે તેનું વર્ણન ૧૫૦ શબ્દમાં જ સીમિત રાખવાની જોગવાઈ છે. નવા જાહેરનામામાં અપીલની ફી પણ લેવાની જોગવાઈ છે.

નગરપાલિકાઓની સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ, જાહેર ખર્ચ વિગેરે બાબતમાં નાગરિકો મોટી સંખ્યામાં આરટીઆઈ અરજીઓ કરતા હોય છે.