ત્ર્યંબકેશ્વર મંદિર બે મહિના બંધ રાખવાની દરખાસ્તથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિંહસ્થ કુંભમેળાની પૂર્વ તૈયારી માટે હિલચાલ
દશેરા, દિવાળી જેવા તહેવારોમાં ભક્તો દર્શનનો લાભ ગુમાવશે ઃ કોન્ટ્રાક્ટરની સગવડ ખાતર દુકાનદારો જંગી આર્થિક નુકસાન વેઠશે
મુંબઇ - આવતા વર્ષથી નાસિક- ત્ર્યંબકેશ્વરમાં શરૃ થનારા કુંભમેળાની તૈયારી માટે ત્ર્યંબકેશ્વરના મંદિરને ૧૫મી ઓક્ટોબરથી ૧૫મી ડિસેમ્બર સુધી બે મહિના બંધ રાખવાની કુંભમેળા પ્રાધિકરણની દરખાસ્તને પગલે તીર્થધામમાં ખળભળાટ મચી ગયો છે.
કુંભમેળા માટે સાવ ગોકળગાયની ગતિએ ચાલતું કામ પૂરું કરવા માટે અને કોન્ટ્રાક્ટરોનું હિત જાળવવા માટે રાજ્ય સરકાર બે મહિના મંદિર બંધ રાખશે તો દશેરા અને દિવાળીના તહેવારમાં દર્શન તેમજ ત્ર્યંબકેશ્વર મંદિર સંસ્થાન દ્વારા છેલ્લા ૩૦૦ વર્ષથી યોજાતી ત્રિપુરારી પૂર્ણિમાની રથયાત્રામાં સહભાગી થવાથી લાખો ભાવિકો વંચિત રહી જશે. ઉપરાંત તીર્થક્ષેત્રમાં નાનો- મોટો વ્યવસાય કરતા વેપારીઓ અને દુકાનદારોએ લગભગ ૧૫ કરોડથી વધુની આવક ગુમાવવી પડશે એટલે સ્થાનિકોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો છે.
ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં અત્યારે દર્શનપથનું બાંધકામ ચાલી રહ્યું છે. એટલે કુંભમેળા પ્રાધિકરણે મંદિર બે મહિના માટે બંધ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પાલક પ્રધાન ગિરીશ મહાજને ગઇ કાલે સિંહસ્થ કુંભની કામગીરીનો તાગ મેળવવા માટે ગઇ કાલે ત્ર્યંબકેશ્વરની મુલાકાત લીધી ત્યારે મંદિર બંધ રાખવા બાબત ચર્ચા થઇ હતી. મંદિર બંધ રાખવામાં આવશે તો જ કામ ઝડપથી પૂરુ થઇ શકશે એવી કોન્ટ્રાક્ટરોએ રજૂઆત કરી હતી.
કુંભમેળાની પૂર્વતૈયારી માટે ત્ર્યંબકેશ્વરમાં છેલ્લા છ મહિનાથી મોટે પાયે તોડફોડ થઇ રહી છે. તમામ સરકારી ઓફિસો અને સબ- ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું સુદ્ધા સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમ છતાં કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એવું સ્થાનિકોનું કહેવું છે. પુરાતત્ત્વ વિભાગના બધા જ નિયમો નેવે મૂકીને કામ થઇ રહ્યું છે. આને કારણે અતિપ્રાચીન મંદિર સામે ખતરો ઉભો થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
શ્રાદ્ધપક્ષ દરમિયાન ત્ર્યંબકેશ્વરનો પ્રાચીન કુશાવર્ત ઘાટ બંધ રાખવામાં આવ્યો છે. યાત્રાળુઓ આવે તેમને પૂજા- આરતીની સામગ્રી અને બીજી પરચુરણ ચીજો વેંચી ગુજરાન ચલાવતા લોકો તો રસ્તા પર આવી ગયા છે. હાથલારી, પાટિયા કે પછી ટેબલ ઉપર માલસામાન ગોઠવીને વેચાણ કરતા જોવા મળે છે.
ચારે તરફ રસ્તા ખોદવામાં આવ્યા હોવાથી યાત્રાળુઓને અને ખાસ કરીને વયોવૃદ્ધ ભક્તજનોને બહુ તકલીફ વેઠવી પડે છે.




