Mumbai

આવતા 4 દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રિ મોન્સૂન શાવર્સનો વરતારો

By GS Team
2 Jun 20263 mins read
આવતા 4 દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રિ મોન્સૂન શાવર્સનો  વરતારો

કેરળમાં ૨-૩ દિવસ પછી, મુંબઈમાં ૧૦-૧૪ જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકેે

સતત વરસાદ, પવનની દિશા અને ગતિ, સમુદ્રમાંનો કરન્ટ વગેરે કુદરતી પરિબળો  મંદ થઇ ગયાં હોવાથી  ચોમાસુ કેરળ સુધી નથી આવી શકતું

મુંબઈ -     મુંબઇગરાંને  અસહ્ય  ગરમી અને ઉકળાટમાં રાહત રહે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. હજી ગયા રવિવારે સવારે મુંબઇના ઘણાં પરાંમાં  પ્રિ-મોન્સુન શાવર્સ( ચોમાસાના આગમન પહેલાંનાં   વરસાદી ઝાપટાં) નો  વરસાદી માહોલ સર્જાયો હતો. ગગન અચાનક ભીનું થયું હોવાથી મુંબઇગરાં રાજીનાં રેડ થઇ ગયાં  હતાં.

ગયા  રવિવારે   સવારના પ્રિ-મોન્સુન શાવર્સને કારણે મુંબઇના વાતાવરણમાં આછેરી ઠંડક પ્રસરી હતી. લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચો ઉતર્યો હતો. શનિવારે,૩૦, મે   એ સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાન ૨૯.૯ ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે રવિવારે, ૩૧, મે એ સાંતાક્રૂઝમાં   લઘુત્તમ   તાપમાન ૨૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવતા  ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૫.૦ -૩૪.૦ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮.૦ -૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે.

હવામાન  વિભાગે એવો વરતારો આપ્યો છે કે  હજી  આવતા ચાર દિવસ  (બેથી પાંચ, જૂન) દરમિયાન દરમિયાન મુંબઇમાં મેઘગર્જના, વીજળીના ચમકારાતીવ્ર પવન(૩૦ -૪૦ કિ.મી.) સાથે  પ્રિ-મોન્સુન શાવર્સનું વાતાવરણ  સર્જાય  (  યલો એલર્ટ)  તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.

સાથોસાથ  આ જ ચાર દિવસ દરમિયાન કોંકણ(થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર(ધુળે, નંદુરબાર, જળગાંવ, નાસિક(ઘાટ), અહિલ્યાનગર, પુણે(ઘાટ), કોલ્હાપુર (ઘાટ),   સાતારા(ઘાટ), સાંગલી, સોલાપુર, મરાઠવાડા (છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર, ધારાશિવ)માં મેઘગર્જના, વીજળીના કડાકાભડાકા, તોફાની પવન સાથે પ્રિ-મોન્સુન શાવર્સની શક્યતા છે.

જો કે વિદર્ભ(અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોળી, ગોંદિયા, નાગપુર, વર્ધા, યવતમાળ)માં ગાજવીજ સાથે પવનનું તોફાન સર્જાય(૪૦ -૫૦ કિ.મી.)  તેવી સંભાવના છે.

બીજી બાજુ નવી દિલ્હીનાં હવામાન વિભાગનાં વડાંમથકના  સૂત્રોએ  ગુજરાત સમાચારને એવો સંકેત આપ્યો  છે કે  ૨૦૨૬ની વર્ષા ઋતુ આવતા ૨ -૩ દિવસ દરમિયાન  અરબી સમુદ્રના નૈઋત્ય હિસ્સામાં, લક્ષદ્વિપ ટાપુઓ, કેરળના અને તામિલનાડુના  અમુક હિસ્સામાં, બંગાળના ઉપસાગરના નૈઋત્ય હિસ્સામાં આગળ  વધે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં  છે.

કેરળના  અમુક હિસ્સામાં એટલે કે ત્રિવેન્દ્રમ અને તેની આજુબાજુના પરિસરના સમુદ્રમાં ૨૦૨૬ની વર્ષા ઋતુનું આગમન થાય તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં   છે.

આ  બધાં પ્રાકૃતિક પરિબળોના સંકેત મુજબ બરખા રાનીનું રૃમઝૂમ  મુંબઇના આંગણે  કદાચ ૧૦ -૧૪ , જૂન  દરમિયાન થવાની શક્યતા છે.

આ  સૂત્રોએ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે હાલ ૨૦૨૬ના ચોમાસાને સમુદ્રમાં પૂરતો કરન્ટ નથી મળતો. પવનની દિશા, ગતિ મંદ છે. વરસાદની કુદરતી પ્રક્રિયા સતત  અને પૂરતા પ્રમાણમાં નથી થઇ રહી. આ બધાં નૈસર્ગિક પરિબળો મંદ થઇ ગયાં હોવાથી ચોમાસુ  કેરળના સમુદ્ર આગમનમાં વિલંબ  થઇ રહ્યો છે. સેટેલાઇટ ઇમેજમાં પણ વરસાદી વાદળો બહુ જ ઓછાં જોવા મળે  છે.

અગાઉ  ૨૦૦૮માં ચોમાસાનું આગમન  કેરળના સમુદ્રમાં લગભગ એક સપ્તાહ મોડું થયું હતું.

એક   ખાસ સંકેત. મહારાષ્ટ્રના વિદર્ભમાં છેલ્લા લગભગ ૧૦ કરતાં વધુ દિવસથી ગરમીનો પારો  ૪૪.૦ - ૪૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અતિ ધગધગતો નોંધાય છે. એટલે કે વિદર્ભનાં નદીઓડેમ, જળાશયોમાંના પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા બહુ જ ઝડપથી થતી હોય તે સ્વાભાવિક છે. આવી  પરિસ્થિતિ  ચિંતાજનક  ગણાય.