પોલીસ નાગરિકોનું રક્ષણ કરે, આરોપીઓનું નહિઃ હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રમેશ મ્હાત્રેના જામીન પરનો સ્ટે હટાવવા ઈનકાર, હજુ જેલમાં જ રહેશે
મારપીટ વખતે તો ૨૫ વર્ષની યુવાન જેવી ઉર્જા બતાવી હતી, હવે જૈફ વય અને બીમારીને લઈ રાહત માગો છો તેવો હાઈકોર્ટનો કટાક્ષ
મુંબઈ - કલ્યાણ ડોમ્બિવલીના શિવસેનાના કોર્પોેરેટર રમેશ મ્હાત્રેને ડોક્ટરો પર હુમલો કરવાના કેસમાં કલ્યાણ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન પરનો સ્ટે ઉઠાવી લેવાનો બોમ્બે હાઈકોર્ટે બુધવારે ઇનકાર કરી દીધો હોવાથી હજુ પણ તેઓ જેલમાં જ રહેશે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની ડિવિઝન બેન્ચે અગાઉ સેશન્સ કોર્ટના જામીનના આદેશ પર સ્ટે આપ્યો હતો. આજે આ સ્ટે લંબાવવામાં આવ્યો હતો.
અમે અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ અધિકારીઓ નાગરિકોનું રક્ષણ કરે ખાસ કરીને કાયદાનું પાલન કરનારા નાગરિકોનું, આરોપીઓનું નહીં,એમ બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું.
એફઆઈઆર મુજબ, ગર્ભવતી મહિલા અને તેના નવજાત શિશુની સારવાર અંગે થયેલા વિવાદ બાદ મ્હાત્રે અને તેમના સાથીઓએ સિવિલ હોસ્પિટલના બે ડોકટરો અને અન્ય હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કર્યો હતો. આઈસીયુ બેડની અછતને કારણે ડોકટરોએ દર્દીને બીજી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. દર્દીના પરિવારે કથિત રીતે મ્હાત્રેનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ૬ જુલાઈના રોજ હુમલો થયો હતો.
૮ જુલાઈના રોજ પાંચ અન્ય આરોપીઓ સાથે ધરપકડ કરાયેલા મ્હાત્રે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૪ જુલાઈના રોજ સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા હતા . જોકે, બોમ્બે હાઈકોર્ટે આ બાબતની દખલ લઈ ૧૮ જુલાઈ, શનિવારે એક ખાસ સિટિંગ યોજી અને જામીનના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
મ્હાત્રે વતી હાજર રહેલા એડવોકેટે દલીલ કરી હતી કે મ્હાત્રે એક સામાજિક કાર્યકર છે અને તેમની ૭૩ વર્ષની વય છે. જેમને ફક્ત એક જ કાર્યરત કિડની છે અને અનેક બીમારીઓ છે.
આ કેસની પૃષ્ઠભૂમિ એ છે કે એ એક ભાવનાત્મક તબીબી કટોકટી હતી. મહિલા દર્દીનું મૃત્યુ થઈ શક્યું હોત. તેઓ ફક્ત મદદ કરવાના ઈરાદાથી ત્યાં ગયા હતા, એમ એડવોકેટે ે રજૂઆત કરી હતી.
જ્યારે તે ડાક્ટરને મારતા હતા, ત્યારે તો તેઓ પચ્ચીસ વર્ષના યુવાન કરતાં વધુ ઉર્જાવાન લાગા હતો,એમ બેન્ચે કટાક્ષ કર્યો હતો.
કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યો કે ૮ થી ૧૦ જુલાઈ અને ૧૩ થી ૧૫ જુલાઈના થાણે સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ડાઉનલોડ કરવામાં આવે અને ૨૭ જુલાઈના રોજ કોર્ટ દ્વારા તપાસ માટે તૈયાર રાખવામાં આવે. તેણે શાીનગર હોસ્પિટલને ૬ જુલાઈના રોજ સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી કથિત હુમલાના ફૂટેજ સાચવવાનો પણ આદેશ આપ્યો હતો.
કોર્ટે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવા માટે દાખલ કરાયેલી અરજીને પણ મંજૂરી આપી હતી.









