મુંબઈમાં ૭૭ ગેરકાયદે સ્કૂલો સામે પોલીસમાં ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ૧૬૪ સ્કૂલો અપાત્ર ઘોષિત
બાળકોના સમાયોજન માટે વાલીઓ દ્વારા પ્રતિસાદ મળતો ન હોવાનો પાલિકાનો દાવો
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદે સ્કૂલો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. મહાપાલિકાએ જાહેર કરેલી ૧૬૪ ગેરકાયદે સ્કૂલોમાંથી અત્યાર સુધી ૭૭ સ્કૂલો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. સ્કૂલોને અગાઉ નોટિસ આપ્યા છતાં જરૃરી કાર્યવાહી ન થતાં જૂન મહિનાથી ગુના નોંધાવવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. મહાપાલિકાએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને આવી સ્કૂલોમાંથી કાઢી માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરે. પરંતુ વાલીઓનો પણ પ્રતિસાદ મળી રહ્યો ન હોવાનું પાલિકાએ જણાવ્યું છે.
મહાપાલિકાના શિક્ષણ વિભાગે તમામ પાલિકા શાળાઓના મુખ્યાધ્યાપકોને ગેરકાયદ સ્કૂલોમાંથી આવતા વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપવાની સૂચના આપી છે. જુલાઈ ૨૦૧૧ના પરિપત્ર મુજબ, આવા વિદ્યાર્થીઓને દસ્તાવેજોના અભાવે અટકાવવામાં ન આવે તે માટે પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. જોકે, મહાપાલિકાના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓના સમાયોજન માટે પૂરતી વ્યવસ્થા હોવા છતાં વાલીઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળતો નથી અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓનું સ્થળાંતર થયું તેની અંતિમ માહિતી પણ ઉપલબ્ધ નથી.
મુંબઈમાં વર્ષોેથી અનેક સ્કૂલો જરૃરી નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહી છે. નિયમ મુજબ શાળાને માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછી ૫,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા, ૩૦ વર્ષનો ભાડાકરાર અને રુપિયા ૨૦ લાખની અનામત રકમ જેવી શરતો પૂર્ણ કરવી જરૃરી છે. આ શરતોનું પાલન ન કરતી સ્કૂલો સામે મહાપાલિકા સતત કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદે સ્કૂલોના વિદ્યાર્થીઓને પાલિકા શાળાઓમાં સમાવી લેવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે, પરંતુ વાલીઓનો ઓછો પ્રતિસાદ સમગ્ર અભિયાન સામે મોટો પડકાર બની રહ્યો છે.









