પોલીસ મહિલાના બેડરુમમાં ગેરકાયદે પ્રવેશી ફોન જપ્ત કરે એ પ્રાઈવસીનો ભંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તપાસનું બહાનું ન ચાલે, કાયદેસર પ્રક્રિયા અનુસરવી પડે
જવાબદાર પોલીસ અધિકારી પાસેથી ૧૦ હજાર રુપિયા વસૂલી મહિલાને વળતર ચૂકવવા આદેશ
મુંબઈ - તપાસ કરવાની સત્તાને જોહુકમીથી વાપરી શકાય નહીં એવુંકડક નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટે કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના મહિલાના બેડરૃમમાં ઘૂસીને તેનો મોબાઈલ ફોન બળજબરીથી જપ્ત કરવાના કૃત્યને તેની ગુપ્તતા અને ગરીમાનો ગંભીરતાથી ભંગ કર્યો ગણાવ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે રાજ્ય સરકારને પીડિત મહિલાને બે મહિનામાં રૃ. ૧૦ હજારનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
સરકાર જવાબદાર પોલીસ અધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકે છે એમ કોર્ટે જણાવ્યું હતું. ગયા સપ્તાહે આદેશ અપાયો હતો જેમાં પોલીસની સત્તા પર બંધારણીય સીમા લાગુ કરી હતી.
ગુપ્તતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ અપાયેલા જીવન જીવવા અને અંગત સ્વતંત્રતાના અધિકારનો અવિભાજ્ય હિસ્સો છે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.
ગુનાની તપાસનો ભાગ હોવાની પોલીસની દલીલ ફગાવીને કોર્ટે જણાવ્યું હતુ કે કાયદાના દર્શાવેલા ફરજિયાત નિયમોથી વિપરીત કૃત્યને સાર્થક ગણાવી શકાય નહીં.
નાગપુરના સાઓનેરની નિવાસી અરજદારે દાવો કર્યો હતો કે પોલીસે તેના ઘરમાં, બેડરૃમમાં પ્રવેશીને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. કાયદા હાઠેળ જણાવેલી કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તપાસને બહાને જપ્તી કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ કાર અકસ્માતના કેસ સંબંધે તેની પૂછપરછ કરવા ઘરે ગયા હતા. મહિલાએ વધુમાં આરોપ કર્યો હતો કે પોલીસે તેને અને તેના પતિને વારંવાર પૂછપરછ કરીને બે દિવસ માટે મોબાઈલ ફોન જપ્ત રાખ્યો હતો. કોઈ નોટિસ વિના આ કૃત્ય કરાયું હતું. ે તેને અને તેના પતિને કેસમાં આરોપી દર્શાવાયા પણ ન હોવા છતાં પોલીસે આ કૃત્ય કર્યું હતું.




