Mumbai

ઈ સિગારેટને ઉત્તેજન બદલ રણબીર સામે પોલીસ કેસનો નિર્દેશ

By GS TEAM
23 Sep 20252 mins read
ઈ સિગારેટને ઉત્તેજન બદલ રણબીર સામે પોલીસ કેસનો નિર્દેશ

રાષ્ટ્રીય માનવ હક્ક પંચની મુંબઈ  પોલીસને સૂચના

આર્યન ખાનની વેબસીરિઝમાં નિયમનું ઉલ્લંઘનઃ કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોરાયુું

મુંબઈ -  આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડના એક સીનમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને કોઈ ચેતવણી કે ડિસ્કલેમર વિના સ્ક્રીન પર ઈ- સિગારેટનો ઉપયોગ કરતા દર્શાવવામાં આવ્યો  હોવા બાબતે  રાષ્ટ્રીય માનવ અધિકારી પંચે (એનએચઆરસી)ે મુંબઈ પોલીસને રણબીર સામે પોલીસ કેસ દાખલ કરવા જણાવ્યું છે. આ બાબતે  માહિતી અને પ્રસારણ મંત્રાલય નું પણ ધ્યાન દોરી રણબીર કપૂર અને નેટફ્લિક્સ સામે કાર્યવાહી કરવા જણાવાયું છે. 

વિગત મુજબ, ૧૮ સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફિલક્સ પર આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત તેની પ્રથમ વેબસિરિઝ બેડ્સ ઓફ બોલિવૂડ રિલિઝ થઈ હતી. સાત એપિસોડની આ વેબસિરિઝમાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ, ઈમરાન હાશ્મી, અરશદ વારસી સહિત અનેક અભિનેતાઓ મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 સીરિઝના એક દ્રશ્યમાં બોલિવૂડના અભિનેતા રણબીર કપૂર પણ મહેમાન કલાકારની ભૂમિકા દરમિયાન કોઈ ચેતવણી કે ડિસ્કલેમર વિના સ્ક્રીન પર વેપિંગ (ઈ- સિગારેટ)નો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. વધુમાં અન્યા સિંહનું પાત્ર તેની મેનેજર બનવાનો ઈનકાર કરે છે ત્યારે તેને પણ ઈ- સિગારેટ ઓફર કરવામાં આવી હોવાનું  દર્શાવાયું છે. 

એનએચઆરસીએ આ દ્રશ્યને કારણે યુવાનો પર તેના સંભંવિત પ્રભાવને ટાકીને માહિતી પ્રસારણ મંત્રાલયને આપેલા પત્રમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવી સામ્રગીને પ્રતિબંધિત કરવા માટે યોગ્ય પગલાં લેવા તથા આ સામગ્રી દૂર કરવા આવશ્યક પગલાં લેવા માનવ હક્ક પંચે જણાવ્યું છે. 

વધુમાં એનએચઆરસીએ મુંબઈ પોલીસ કમિશનરને પણ પત્ર લખીને રણબીર કપૂર, નિર્માતાઓ અને પ્રોડક્શન કંપની તથા નેટફિલક્સ સામે ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ ૨૦૧૯ની કલમ ચાર અને કલમ ૭નું સ્પષ્ટ ઉલ્લંઘન હોવાથી ફરિયાદ નોંધીને યોગ્ય કાનૂની પગલાં લેવા ભલામણ કરી હતી.

આ મામલે હજુ સુધી નેટફિલક્સ, રણબીર કપૂર કે વેબસીરિઝના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.