'કોન્સર્ટમાં પિલ ઉપલબ્ધ છે 'ઃ વોટ્સએપ પર થયેલા ચેટિંગનો ચાર્જશીટમાં ઉલ્લેખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોરેગાવ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ ઓવરડોઝથી બેના મોત
ડ્રગ જર્મનીથી કુરિયર દ્વારા લવાયેલું ઃ કોર્ટમાં ૩,૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ
મુંબઈ - એપ્રિલમાં ગોરેગાવમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં શંકાસ્પદ ડ્રગ ઓવરડોઝ કેસમાં પકડાયેલા એમબીએના બે વિદ્યાર્થીઓએ એક વોટ્સ એપ ગુ્રપ પર સાથી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કોન્સર્ટમાં ગોળીઓ પણ ઉપલબ્ધ હશે, એમ ચાર્જશીટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ડ્રગ અવોરડોઝથી બે વિદ્યાર્થીના મોત થયા હતા.
બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૩,૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ એક જણની પોલીસે ધરપકડ પણ કરી છે.
કેસમાં ૧૪મા આરોપી નિતેશ ખેમલાનીની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી મહેશ ખેમલાની અને આયુશ સાહિત્ય સાથે તેને સંબંધ છે.
૧૪માંથી ૧૨ આરોપી સામે આરોપનામા દાખલ કરાયા છે. આરોપનામામાં મહેશ, સાહિત્ય અને અન્ય ત્રણ આનંદ પટેલ, શુભ અગ્રવાલ અને વિનીત ગેરેલાની ઉપરાંત બે વિદ્યાર્થી, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર, સિક્યોરિટી ગાર્ડ અને બે કર્મચારીઓ તથા ખેમલાનીના ભાગીદાર જિયાજેકોબનો સમાવેશ થાય છે. ખેમલાનીના મિત્ર દ્વારા જર્મનીથી કુરિયર દ્વારા ડ્રગ્સ મોકલાવાયું હોવાનું પોલીસે આરોપનામામાં જણાવ્યું છે.
બાઉન્સરોએ ચેતવ્યા છતાં ડ્રગ લઈ જવાયું અને સેવન પણ કરાયું હોવા છતાં આયોજકોએ પગલાં લીધા નહોતા. આર્થિક લાભ માટે આયોજકો અને સપ્લાયરે મિલી ભગત કરી હતી.
વિવિધ આરોપીઓ વચ્ચે લિંક જોડવા માટે વોટ્સએપ ચેટ પર થયેલી વાતો અને આર્થિક વ્યવહાર પર પોલીસે આધાર રાખ્યો છે. ચાર્જશીટમાં ૧૧૦ સાક્ષીદારોનો સમાવેશ છે જેમાં ઈવેન્ટમાં હાજર રહેલા અન્ય એમબીએ સ્ટુડન્ટનો સમાવેશ છે.
નિતેશ અને દીપક હેમવાનીના નામ આરોપનામામાં નથી. હેમવાનીએ તેના ઘરે પાર્સલ રિસિવ કર્યું હોવાનો આરોપ છે. આ ઘટના ૧૧ એપ્રિલે બની હતી. ગોરેગામ (પૂર્વ)માં એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટમાં હાજર રહેલા એક જ કોલેજના મોટા ગુ્રપમાં એમબીએના ત્રણ વિદ્યાર્થી પણ હતા તેમણે ડ્રગ્સનું સેવન કરતાં માંદા પડયા હતા અને બીજા દિવસે તેમાંના બેના મોત થયા હતા.




