કૂતરાઓનાં ત્રાસેલા લોકોએ પાલિકા અધિકારીનાં ટેબલ પર ગલુડિયાં છોડયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાશિકની નિફાડ પાલિકામાં કોથળામાંથી બિલાડું નહિ પણ કુરકુરિયાં નીકળ્યાં
એક પછી એક ગલુડિયાંએ ટેબલ તથા ઓફિસમાં અન્યત્ર દોડાદોડ કરી ધમાલ મચાવીઃ હજુ વધુ આવાં કૂતરાં લાવવાની ચિમકી
મુંબઈ - નાસીક જિલ્લાના નિફાડમાં રસ્તા ઉપર રઝળતા કૂતરાના અસહ્ય ત્રાસ સામે સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવા માટે સ્થાનિક લોકો સહિત નેતાઓ કોથળાઓમાં કૂરકૂરિયાં ભરીને ધસી ગયા હતા અને ચીફ ઓફિસર પાસે જઈ તેમના ટેબલ પર જ એક પછી એક કોથળા ખોલી કૂરકૂરિયાં છોડી મૂકતાં દોડધામ મચી ગઈ હતી. કેટલાય સમયથી કોથળામાં પૂરાઈ રહેલાં ગલુડિયાંઓએ બહાર નીકળતાંની સાથે જ ચારેબાજુ ચિત્કાર સાથે દોડધામ મચાવી મૂકતાં પાલિકા ઓફિસમાં ધમાલનાં દ્રશ્યો સર્જાયાં હતાં. આ અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો હતો.
નાશિક જિલ્લા શિવસેના (યુબીટી)ની યુથ વિંગના કાર્યકર વિક્રમ રંધાવે તેમના સાથીઓ સાથે નિફાડ નગરપંચાયતની ઓફિસમાં પહોંચી ગયા હતા અને નિફાડ નગરપંચાયતના ચીફ ઓફિસર ધીરજ ભામરેની ચેમ્બરમાં જઇ કોથળામાંથી ગલુડિયા કાઢીને ટેબલ ઉપર મૂક્યા હતા.
ટેબલ પર ગલુડિયાં ફરતા જોઇને સ્તબ્ધ બની ગયેલા ચીફ ઓફિસર ભામરેને રંધાવેએ ઉંચા અવાજે કહ્યું હતું કે છેલ્લાં છ મહિનાથી ગામમાં રખડતા કૂતરાના વધેલા ત્રાસ સામે તમારૃં ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, પણ તમે ધ્યાન જ નથી આપતા, એટલે પછી અમારે આ પગલું લેવું પડયું હતું. હજી પણ તમે ધ્યાન નહીં આપો તો આનાથી મોટી સંખ્યામાં ડાઘીયા કૂતરાં લાવીને ઓફિસમાં છોડી મૂકશું એટલું જ નહીં ગામમાં જે મહિલાઓ અને બાળકોને કૂતરા કરડયા હતા એ બધાને પણ ભેગા લઇ આવશું.
શિવસેના (યુબીટી)ના કાર્યકરે ચીફ ઓફિસરના ટેબલ ઉપર ચલણી નોટોનો હાર મૂકીને નગરપાલિકા કઇ રીતે સમસ્યા તરફ દુર્લક્ષ કરે છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. એમણે દાવો કર્યો હતો કે નિફાડ ગામમાં ૪૦૦ થી વધુ શ્વાન રખડતા હોય છે. દર મહિના ઓછામાં ઓછા ૧૦૦ જણને કૂતરા કરડે છે. આને લીધે સૌથી વધુ ત્રાસ સિનિયર સિટીઝનો, બાળકો અને મહિલાઓએ વેઠવો પડે છે.
કહેવત છે કે કોથળામાંથી બિલાડું, કાઢ્યું, પણ નિફાડમાં કોથળામાંથી કુરકુરિયા કાઢવામાં આવ્યા હતા. આ સ્ટંટ કરનાર રંધાવ અને તેના સાથી કાર્યકરોને તેમના પક્ષનું સમર્થન હતું કે નહીં એ સ્પષ્ટ નહોતું થયું.
દરમ્યાન નિફાડ પોલીસે પબ્લિક સર્વન્ટના કામમાં અવરોધ ઉભો કરવા બદલ રંધાવે અને અન્ય કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે.




