Mumbai

ટ્રેનમાં આઈસક્રિમનું બિલ માગતાં પ્રવાસીને પેન્ટ્રી કારમાં બોલાવી માર માર્યો

By GS Team
23 May 20262 mins read
ટ્રેનમાં આઈસક્રિમનું બિલ માગતાં પ્રવાસીને પેન્ટ્રી કારમાં બોલાવી માર માર્યો

આઈસક્રિમ પર નોટ ફોર  સેલ લખાયેલું હોવાથી સ્પષ્ટતા માગી

જયપુરથી આવતા  મુંબઈના ગુજરાતી ઉદ્યોગપતિ તથા સંબંધીનેવાસણો  અને લાકડીઆથીે ફટકાર્યાઃ ૩ કર્મચારીઓ સામે ગુનો દાખલ

મુંબઈ  જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આઈસ્ક્રીમ ખરીદવાનું બિલ માંગવા બદલ પેન્ટ્રી કાર સ્ટાફ દ્વારા મુંબઈના એક ઉદ્યોગપતિ અને તેના સંબંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં મુસાફર મિતેશ શાહ જખમી થયા હતા. આ કેસમાં વસઈ રેલવે પોલીસે ત્રણ પેન્ટ્રી સ્ટાફ સામે કેસ નોંધ્યો છે. જો કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસે ફક્ત આરોપીઓને નોટિસ આપી છે.

 ગત, ૧૮ મેની રાત્રે મિતેશ શાહ પોતાના પરિવાર અને મિત્રો સાથે વિક્રમગઢ આલોટ રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન, તેમણે પેન્ટ્રી કાર સ્ટાફ પાસેથી ૩૦ રૃપિયામાં આઈસ્ક્રીમ ખરીદ્યો હતો. આ મુસાફરી દરમિયાન, મિતેશ શાહે આઈસ્ક્રીમના પેકેટ પર 'નોટ ફોર સેલ' છપાયેલું જોયું હતું. તેથી, તેમણે કર્મચારીઓ પાસેથી ખરીદી બિલ માંગ્યું હતું. શરૃઆતમાં, કર્મચારીઓએ તેમની માંગણીને અવગણી હતી. જોકે, જ્યારે મિતેશ શાહે બિલ ચૂકવવાનો આગ્રહ કર્યો, ત્યારે કર્મચારીઓએ શાહ અને તેમના સંબંધીને પેન્ટ્રી કારની અંદર બોલાવીને 'હું બિલ ચૂકવીશ, અંદર આવો.' એમ જણાવ્યું હતું.

અમે અંદર પ્રવેશતાની સાથે જ, ૮ થી ૧૦ પેન્ટ્રી કર્મચારીઓએ અંદરથી બંને બાજુના દરવાજા બંધ કરી દીધા હતા. પછી તેઓએ સીધા અમારા પર મારપીટ કરી હતી. અમને લાકડીઓ અને ભારે રસોઈના વાસણો વડે માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, તેઓએ અમને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી પણ આપી, એમ શાહે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે. હુમલામાં મિતેશ શાહ ગંભીર રીતે જખમી થયા હોવાથી, તેમણે તાત્કાલિક ઈેમરજન્સી ચેઇન ખેંચી અને વસઈ સ્ટેશન પર ટ્રેન રોકી દીધી હતી. જો કે, તેમને બોરીવલી સ્ટેશન જઈને ત્યાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી. અંતે, મિતેશ શાહને સારવાર માટે કાંદિવલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં, મિતેશ શાહની ફરિયાદના આધારે વસઈ લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં ત્રણ પેન્ટ્રી કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. વસઈ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ માહિતી આપી છે કે, ત્રણેયને નોટિસ જારી કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.