Mumbai

વીજળી પડતાં બળદ મરી ગયો એટલે ખેડૂતે હળ સાથે પત્નીને જોતરી

By GS Team
10 Jun 20262 mins read
વીજળી પડતાં  બળદ મરી ગયો એટલે ખેડૂતે હળ સાથે પત્નીને જોતરી

પ્રગતીશીલ મહારાષ્ટ્રનાં કિસાનની કરૃણ કથની

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં સરકારે બળદની જોડ આપી

મુંબઇ પ્રગતીશીલ મહારાષ્ટ્રના કિસાનની કરૃણ કથની સામે આવી છે. ભૂમિહિન ખેડૂતે વીજળી પડતા એક બળદ ગુમાવ્યો હતો. બીજો બળદ ખરીદવાની ત્રેવડ નહોતી એટલે હળ સાથે પત્નીને જોતરી એક બળદ અને પત્નીની મદદથી ખેતરનું ખેડાણ  ંકરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી  તરત જ મહારાષ્ટ્ર સરકારના કૃષિ વિભાગ તરફથી તેને બળદની જોડી આપવામાં આવી હતી.

લાતૂર જિલ્લાના દેવણી તાલુકામાં આવેલા બોંબળી ગામના અત્યંત ગરીબ ભૂમિહિન કિસાન કાશીનાથ ગાયકવાડને માથે પત્ની અને છ સંતાનોનું પેટ ભરવાની જવાબદારી છે. બીજાની જમીન પર ખેતી કરીને જેમતેમ નિર્વાહ કરે છે.

ગઇ પાંચમી જૂને કમોસમી વરસાદ સાથે વીજળી ત્રાટકી એમાં એક બળદ માર્યો ગયો હતો. પશુધન ગુમાવતા હવે ખેડાણ કેમ કરવું એની ચિંતા પેઠી હતી. વાવણીનું ટાણું નીકળી જાય એમ હતું. આ કટોકટીમાં  ખેડૂતની અર્ધાંગિની મદદે આવી અને તેમે હળ સાથે જોતરાઇને બચેલા બળદ સાથે ખેડાણનું કામ કર્યું. આ હૈયું હચમચાવી નાખે એવી ઘટનાનો ગામડામાં કોઇએ મોબાઇલમાં  વીડિયો ઉતારી સોશ્યલ મિડિયામાં વાઇરલ કર્યો હતો. ચારે તરફથી માગણી ઉઠી હતી કે સરકારે આ ખેડૂતને તાત્કાલીક મદદ કરવી જોઇએ.

દરમિયાન, આ વીડિયો વાયરલ  બનતાં સરકારી તંત્ર તરત એક્શનમાં આવ્યું  હતું. સીએમઓ તરફથી કૃષિ વિભાગને આ ખેડૂતને તત્કાળ શક્ય તેટલી મદદ કરવા જણાવાયું હતું. પશુ સંવર્ધન વિભાગે એક બળદ  જોડીની વ્યવસ્થા કરી આ ખેડૂતને મોકલાવી હતી. આ ઉપરાંત આ ખેડૂત પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર  તરફથી પણ આવશ્યક સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.