મુંબઈમાં નકલી જન્મ પ્રમાણપત્ર કૌભાંડમાં 10 હજારથી વધુ બોગસ દસ્તાવેજોનો પર્દાફાશ

૮૭
હજારથી વધુ શંકાસ્પદ પ્રમાણપત્રોની તપાસમાં
બાંગ્લાદેશી
ઘૂસણખોરીના એંગલથી પણ તપાસ,
રાજ્ય સરકારને રદ કરવાની દરખાસ્ત મોકલાશે
મુંબઈ -
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) માં જન્મ
પ્રમાણપત્ર(બર્થ સટફિકેટ) જારી કરવાની પ્રક્રિયામાં થયેલા સંભવિત મોટા ગોટાળાનો
પર્દાફાશ થતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. બીએમસી ૨૬
વોર્ડમાં જારી કરાયેલા કુલ ૮૭,૩૪૭ બર્થ સટફિકેટની પુનઃ
ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ પ્રમાણપત્રો બોગસ હોવાનું સામે
આવ્યું છે. આ પ્રમાણપત્રો માટે જરૃરી આધારભૂત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે
સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
માહિતી અનુસાર, જન્મ પ્રમાણપત્ર
મેળવવા માટે ફરજિયાત ગણાતા પુરાવા અને સંબંધિત દસ્તાવેજો અનેક કેસોમાં ઉપલબ્ધ નથી.
વોર્ડ કચેરીઓમાં પણ આ દસ્તાવેજોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. દસ્તાવેજી આધાર વિના
પ્રમાણપત્રો કેવી રીતે જારી કરવામાં આવ્યા તે અંગે હવે વહીવટી તંત્ર સવાલોના
ઘેરામાં આવ્યું છે.
આ
મામલો પ્રકાશમાં આવ્યા બાદ બીએમસીએ તમામ ૮૭,૩૪૭ પ્રમાણપત્રોની સઘન તપાસ શરૃ
કરી હતી. પ્રાથમિક તપાસમાં જ ૧૦ હજારથી વધુ પ્રમાણપત્રો શંકાસ્પદ અને બોગસ હોવાનું
જણાતા હવે આ તમામ પ્રમાણપત્રો રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી
સપ્તાહે બીએમસી રાજ્ય સરકારના રજિસ્ટ્રાર જનરલને આ પ્રમાણપત્રો રદ કરવા માટે
સત્તાવાર દરખાસ્ત મોકલશે.
આ સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી
ઘૂસણખોરોને ભારતીય ઓળખ આપવાના પ્રયાસો થયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી
રહી છે. આ કારણે મામલાને માત્ર વહીવટી ગેરરીતિ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા
ગંભીર મુદ્દા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇ-વોર્ડ, એલ-વોર્ડ, ભાયખલા, ગોવંડી અને દેવનાર સહિતના વિસ્તારોમાં મોટા
પ્રમાણમાં આવા જન્મ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. ફરિયાદો અને રાજકીય દબાણ
બાદ બીએમસીએ તપાસને ગતિ આપી હતી.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને
મેયર રિતુ તાવડેએ આરોગ્ય વિભાગમાં કેટલાક જૂના અધિકારીઓની બદલી કરી નવા અધિકારીઓની
નિમણૂક કરવા સૂચના આપી હતી. હવે તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે અને જવાબદાર
અધિકારીઓ તથા કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવી છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે જન્મ
પ્રમાણપત્ર માટે જરૃરી દસ્તાવેજો ઉપલબ્ધ જ નહોતા, ત્યારે આવા પ્રમાણપત્રો કોના આદેશથી અને
કઈ પ્રક્રિયા હેઠળ જારી કરવામાં આવ્યા? દસ્તાવેજો ગુમ થયા કે
પછી ક્યારેય જોડવામાં જ આવ્યા નહોતા? આવા અનેક પ્રશ્નોના
જવાબ હજુ મળવાના બાકી છે.
ગુજરાત સમાચારે બીએમસીના એડિશનલ
કમિશનર વિપિન શર્માનો સંપર્ક કરવાનો
પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે તેમની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ
નથી.
આ કૌભાંડના ખુલાસા બાદ બીએમસીની કામગીરી, જન્મ નોંધણી પ્રણાલીની
વિશ્વસનીયતા અને ઓળખ દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હવે
રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ રહી હોવાનું
સૂત્રોએ જણાવ્યું હતું.




