મુંબઈમાં ઓપન કેટેગરીનાં મહિલા કોર્પોરેટર નવાં મેયર બનશે

2017, 2019 પછી સતત ત્રીજી ટર્મ માટે ઓપન કેટેગરીનાં મેયર
રિઝર્વેશનની લોટરીમાં ગરબડના આક્ષેપ સાથે શિવસેના યુબીટીએ વાંધો ઉઠાવ્યોઃ
મુંબઈ - ઓપન મહિલા કેટેગરીમાંથી ચૂંટાયેલાં કોર્પોરેટર મુંબઈનાં આગામી મેયર બનશે. આજે મુંબઈ સહિતની ૨૯ મહાપાલિકાઓનાં મેયરપદનાં રિઝર્વેશન જાહેર કરવા માટે યોજાયેલી લોટરીમાં મુંબઈ સહિત ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલા મેયરની વરણી થશે એ નક્કી થયું હતું. ૨૯ મહાપાલિકામાંથી ત્રણમાં એસસી કેટેગરીના મેયર બનશે જેમાંથી એક મહિલા હશે. આ ઉપરાંત ઓબીસી કેટેગરીના ૧૨ મેયર હશે જેમાંથી આઠ પુરુષ તથા ચાર મહિલા હશે. એક મહાપાલિકામાં એસટી કેટેગરીના પુરુષ મેયર બનશે. ૧૭ મહાપાલિકામાં મેયર ઓપન કેટેગરીમાંથી હશે. તેમાંથી નવ મહિલા તથા આઠ પુરુષ હશે.
શિવસેના યુબીટીએ લોટરી સિસ્ટમમાં ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો. ઉદ્ધવ સેનાના જૂથ નેતા અને માજી મેયર કિશોેરી પેડણેકરે કહ્યું હતું કે આ લોટરી સિસ્ટમમાં ગરબડ કરાઈ છે.
ઠાકરેની શિવસેનાના સુપ્રદા ફતરપેક કહ્યું હતું કે એસટી કેટેગરીના ત્રણથી વધુ નગરસેવક હોય તો જ એસટી કેટેગરી માટે રિઝર્વેશન રહી શકે છે તેવું અગાઉ ક્યારેય કહેવાયું ન હતું. મુંબઈમાં ૨૦૧૭ અને ૨૦૧૯ એમ બંને વખત ઓપન કેટેગરીમાંથી મેયર બન્યા હતા. હવે સળંગ ત્રીજીવાર પણ જો ઓપન કેટેગરીના મેયર બનવાના હોય તો રોટેશનનો કોઈ મતલબ જ નથી રહ્યો.
શિંદેશિવસેનાનાં પ્રવક્તા મનીષા કયાંદે સાથે વાત કરતાં તેમણે કહ્યું કે બધું નિયમો મુજબ ચાલી રહ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા વાંધો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ વહીવટીતંત્ર તેના પર નિર્ણય લેશે. અજિત પવારની એનસીપીના નેતા આનંદ પરાંજપેએ જણાવ્યું હતું કે શરૃઆતમાં અનુસૂચિત જાતિ, પછી અનુસૂચિત જનજાતિ, પછી ઓબીસી અને છેલ્લે ખુલ્લા વર્ગ માટે અનામતની જાહેરાત કરવામાં આવી હતી.
નગર વિકાસ રાજ્યમંત્રી માધુરી મિસાલે કહ્યું કે પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી છે અને તેનું જીવંત પ્રસારણ પણ ઉપલબ્ધ છે. તેમને વાંધો ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ વહીવટીતંત્રે નિયમો અનુસાર પ્રક્રિયા હાથ ધરી છે. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ વિશે વાત કરતા મિસાલે કહ્યું, તેઓ મુંબઈને તેમની ઇચ્છા મુજબ અનામત આપવાની માંગ કરી રહ્યા હતા. તેમના મનમાં જે અનામત છે તે કેવી રીતે પ્રાપ્ત થશે? મને લાગે છે કે તેઓએ આ માટે મૂંઝવણ ઉભી કરી હતી .મિસાલે વધુમાં કહ્યું કે ઓબીસી ગૂ્રપમાં ૮લોટ કાઢવાના હતા. ત્રણ છોડીને, પાંચ નગરપાલિકાઓ માટે રાઉન્ડમાં લોટ કાઢવામાં આવ્યા હતા. તેમાંથી અડધી, એટલે કે ચાર બેઠકો, મહિલાઓ માટે અનામત હતી. આ પ્રક્રિયામાં કોઈ ગરબડ થઈ નથી.




