Mumbai

ફૂટપાથ પરના રેમ્પ તથા અન્ય દબાણો હટાવી લેવા એક માસની મહેતલ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ મહાનગરપાલિકાએ ફૂટપાથો પરના ગેરકાયદે રેમ્પ, વાણિજ્યિક બાંધકામો અને અતિક્રમણોને સ્વખર્ચે એક મહિનામાં હટાવવાની મહેતલ આપી છે. જો આમ નહીં થાય તો કડક કાર્યવાહી કરાશે. 'પેડેસ્ટ્રીઅન ફર્સ્ટ' ઝુંબેશ હેઠળ, પ્રથમ તબક્કામાં અંધેરીમાં 320 કિ.મી. લાંબી ફૂટપાથો પરથી અતિક્રમણ દૂર કરાશે, જેથી રાહદારીઓને સુવિધા મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફૂટપાથ પરના રેમ્પ તથા અન્ય દબાણો હટાવી લેવા એક માસની મહેતલ

સ્વખર્ચે દબાણો દૂર નહિ થાય તો આકરી કાર્યવાહીની  ચિમકી

પહેલા તબક્કામાં અંધેરીમાં ૩૨૦ કિ.મી. લાબી ફૂટપાથો પરથી અતિક્રમણ હટાવવામાં આવશે

મુંબઇ -  મુંબઇના શહેર અને ઉપનગર વિસ્તારોમાં ફૂટપાથો ઉપર હાઉસિંગ સોસાઇટીઓ, દુકાનદારો અને ગાળાધારકો તરફથી ગેરકાયદે બાંધવામાં આવેલા રેમ્પ, વ્યાવસાયિક બાંધકામો અને કોઇપણ જાતના અતિક્રમણોને એક મહિનામાં સ્વખર્ચે હટાવવાની મુંબઇ મહાનગરપાલિકાએ મહેતલ આપી છે. એક મહિનામાં આ નડતરરૃપ અનધિકૃત બાંધકામો હટાવવામાં નહીં આવે તો બીએમસી તરફથી આકરા પગલાં લેવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે.

ફૂટપાથો  રાહદારીઓની સુવિધા માટે બાંધવામાં આવી છે. પરંતુ ઘણી હાઉસિંગ સોસાઇટીઓ, ગાળાધારકો અને દુકાનદારો તરફથી ચડવા - ઉતરવા માટેના ઢાળ (રેમ્પ) ગેરકાયદે બાંધવામાં આવ્યા છે. ઉપરાંત ફૂટપાથો ઉપરના વ્યાવસાયિક બાંધકામો અને અતિક્રમણોને લીધે રાહદારીઓએ મુશ્કેલી ભોગવવી પડે છે અને અકસ્માતનું જોખમ ઉઠાવી ફૂટપાથ છોડીને રસ્તા પર ચાલવું પડે છે. એટલે જ આ તમામ અનધિકૃત નડતરરૃપ બાંધકામો એક મહિનામાં હટાવવાનો મ્યુનિસિપલ કમિશ્નર અશ્વિની ભિડેએ ગઇ કાલે આદેશ આપ્યો હતો.

રાહદારીઓને પ્રાધાન્ય આપવા માટે હાથ ધરાયેલી 'પેડેસ્ટ્રીઅન ફર્સ્ટ' ઝુંબેશ હેઠળ કમિશ્નરે અંધેરી, વિલેપાર્લે અને ગોરેગામ સ્ટેશન રોડ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને રાહદારીઓને ફૂટપાથ પર ચાલવામાં કેટલી મુશ્કેલી પડે છે તે નજરે જોયું હતું.

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે પેડસ્ટ્રીઅન ફર્સ્ટ ઝુંબેશના પહેલા તબક્કામાં અંધેરીના કે- વેસ્ટ વોર્ડમાં ૩૨૦ કિ.મી. લાંબી ફૂટપાથો પરથી અતિક્રમણ હટાવવામાં  આવશે. આ વોર્ડમાં ૩૫૫ રસ્તા પૈકી ૨૭ માર્ગો પર ફૂટપાથો ક્લિયર કરવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.

વિલેપાર્લે પશ્ચિમમાં રામગણેશ ગડકરી રોડ અને સ્વામી વિવેકાનંદ માર્ગ પરથી કુપર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની, દરદીઓની અવરજવર સતત ચાલુ જ હોય છે. એટલે આ વિસ્તારમાં રસ્તા અને ફૂટપાથો પરના તમામ નડતર દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.

ગોરેગામમાં સ્ટેશન રોડ પર કાર્યવાહી

મુંબઇ, તા.૭

ગોરેગામ પશ્ચિમમાં સ્ટેશન નજીકના બંડુ ગોરેગા માર્ગ પરની ફુટપાથો ઉપરથી વ્યાવસાયિકોનું સ્થળાંતર કરવાનો આદેશ કમિશ્નરે આપ્યો છે. પહેલા તબક્કામાં રેલવે સ્ટેશન એરિયામાંથી ૪૩ કમર્શિયલ બાંધકામો હટાવવામાં આવ્યો હોવાથી હવે રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.