વસઈની હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા નર્સની છેડતી

નર્સ યુવતીઓ પોલીસ ફરિયાદ નોંધાવી
કેબિનમાં વિનયભંગ કરતાં યુવતી ડરી ગઈ, બહાર નીકળી મિત્રને જાણ કરી
મુંબઈ -વસઈની એક પ્રખ્યાત હોસ્પિટલના એક ડોક્ટર મિથિલેશ મિશ્રાએ નર્સની છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી યુવતી ત્રેવીસ વર્ષની છે અને નાલાસોપારામાં રહે છે. તે છેલ્લા એક વર્ષથી વસંત નગરીમાં આવેલી આ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે વીસ જાન્યુઆરી, મંગળવાર સવારે હોસ્પિટલના આઈસીયુમાં કામ કરતી હતી. સવારે દસ વાગ્યે, ડા. મિથિલેશ મિશ્રાએ તેને ફોન કરીને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં મેડિકલ વિભાગમાં કામ કરતો એક કર્મચારી હતો. ડાક્ટરે દર્દી વિશે વિગતવાર માહિતી પૂછી હતી. થોડા સમય પછી, જ્યારે કર્મચારી ત્યાંથી ચાલ્યો ગયો, ત્યારે ડા. મિશ્રાએ તેનો વિનયભંગ કર્યો હતો. આ ઘટનાને કારણે, પીડિતા ખૂબ જ ડરી ગઈ હતી અને કેબિનમાંથી બહાર નીકળીને તેના મિત્રને ફોન કરીને ઘટના જણાવી હતી.
તેણે આ અંગે આચોલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુજીત કુમાર પવારે માહિતી આપી હતી કે, અમે આ સંદર્ભમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪ હેઠળ વિનયભંગનો કેસ નોંધ્યો છે. જ્યારે આ અંગે ડા. મિશ્રાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબ મળ્યો ન હતો.









