Mumbai

એમબીબીએસનો કોર્સ પૂર્ણ કરવા હવે 10 વર્ષ મળશે

By GS Team
30 May 20262 mins read
એમબીબીએસનો કોર્સ પૂર્ણ કરવા હવે 10 વર્ષ મળશે

નેશનલ મેડિકલ કમિશનનો પ્રસ્તાવ

પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરવા વધુમાં વધુ ચાર પ્રયાસની મર્યાદા યથાવત્

મુંબઈરાષ્ટ્રીય મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા એમબીબીએસ અભ્યાસક્રમ પૂર્ણ કરવાની સમયમર્યાદા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નવા ડ્રાફ્ટ મુજબ, વિદ્યાર્થીઓને હવે એમબીબીએસ ડિગ્રી અને ફરજિયાત ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે નવ વર્ષને બદલે દસ વર્ષનો સમય મળશે. વિવિધ કારણોસર સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીઓને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે.

પરંતુ  વિદ્યાર્થીઓ માટે કેટલીક કડક શરતો યથાવત્ રાખવામાં આવી છે. પ્રથમ વર્ષ (ફર્સ્ટ પ્રોફેશનલ એમબીબીએસ)ની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ ચાર પ્રયાસોની મર્યાદા રહેશે. આ ચાર પ્રયાસોમાં સફળ ન થતા વિદ્યાર્થીઓને આગળનું મેડિકલ શિક્ષણ ચાલુ રાખવાની મંજૂરી મળશે નહીં, એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ સુધારો 'ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન (સુધારા) નિયમો, ૨૦૨૬' હેઠળ કરવામાં આવી રહ્યો છે અને એનએમસી દ્વારા તેનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજો અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી ૩૦ દિવસની અંદર સૂચનો અને આક્ષેપો મગાવવામાં આવ્યા છે. કમિશને ઇ-મેઇલ મારફતે અભિપ્રાય મોકલવા અપીલ કરી છે.

મેડિકલ શિક્ષણ વધુ લવચીક અને વિદ્યાર્થીકેન્દ્રી બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને કોવિડ જેવી પરિસ્થિતિઓને કારણે અભ્યાસમાં વિક્ષેપ અનુભવેલા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી રાહત મળશે. જોકે, શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે પરીક્ષા પ્રયાસોની મર્યાદા યથાવત્ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ પર અભ્યાસમાં સળંગતા જાળવવાની જવાબદારી પણ વધશે.