Mumbai

હવે અમારો દીકરો સલામત રીતે ઘરે પાછો ફરે એટલી જ ઈચ્છા

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા બાદ, અભિજીત દીપકેના માતા-પિતા અનિતા-ભગવાન દીપકેએ મુંબઈમાં ભાવુક પ્રતિક્રિયા આપી. દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લાંબા સંઘર્ષ દરમિયાન અભિજીતને ટાઈફોઈડ થયો અને મચ્છરો વચ્ચે સૂવું પડ્યું. દીકરાના ત્યાગ પર ગર્વ વ્યક્ત કરતા પરિવારે કહ્યું કે, હવે તેમના દીકરાના પરિશ્રમનું સાચું ફળ મળ્યું છે. તેઓ અભિજીત સુરક્ષિત ઘરે ફરે તેવી ઈચ્છા રાખે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે અમારો દીકરો સલામત રીતે ઘરે પાછો ફરે એટલી જ ઈચ્છા

આંદોલન પૂરું થયા બાદ અભિજીતના માતા-પિતાની ભાવૂક પ્રતિક્રિયા

મચ્છરો વચ્ચે સૂવું પડયું, ટાઈફોઈડ થયો છતાં સંઘર્ષ ચાલુ રાખ્યો,

વિદ્યાર્થીઓ માટેના અભિજીતના ત્યાગ પર અમને ગર્વ ઃ દીપકે પરિવાર

મુંબઈ - કેન્દ્રના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકેના માતા-પિતા અનિતા-ભગવાન દીપકેએ શનિવારે ભાવુક પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં અભિજીતે ભોગવેલા સંઘર્ષને યાદ કરતાં તેમણે કહ્યું કે, હવે તેમના દીકરાના પરિશ્રમનું સાચું ફળ મળ્યું છે. ઘણા દિવસોથી સતત ચિંતા અને અનિશ્ચિતતામાં જીવતા પરિવારને હવે થોડી રાહતનો શ્વાસ મળ્યો છે.

અભિજીતના માતા-પિતાએ જણાવ્યું કે, આંદોલન દરમ્યાન તેમના દીકરાએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. મચ્છરો વચ્ચે ખુલ્લામાં સૂવું પડયું. તેને ટાઈફોઈડ થયો અને તબિયત સ્વસ્થ ન હોવા છતાં તેણે વિદ્યાર્થીઓ માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો. તેઓએ કહ્યું કે, દીકરાની ચિંતામાં ઘણી રાત સુધી તેમને ઊંઘ આવી નહોતી અને ઘણીવાર  રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતા રહેતાં હતાં.

ઘટનાક્રમ અંગે વાત કરતાં અભિજીતની માતા ભાવુક બની ગઈ અને કહ્યું કે, 'અમારી એક જ ઈચ્છા છે કે તે સુરક્ષિત રીતે ઘરે પાછો આવે અને અમારી સાથે રહે.' તેના પિતાએ પણ જણાવ્યું કે, 'આ સમાચાર સાંભળ્યા બાદ આખા પરિવારે મોટી રાહત અનુભવી છે. અભિજીતે વિદ્યાર્થીઓ માટે જે ત્યાગ કર્યો તે વ્યર્થ ગયો નથી અને તેના સંઘર્ષ પણ અમને ગર્વ છે. તેને દહેશતવાદી કહેવામાં આવ્યો, તેના પર વિદેશમાંથી ફંડિંગનો ખોટો આરોપ લગાવાયો. આ બધું સાંભળી પરિવાર તરીકે અમને ખૂબ ખરાબ લાગતું હતું. અમારા પરિવારમાં કોઈને રાજકારણનો કશો અનુભવ નથી. તેણે પહેલાં અરવિંદ કેજરીવાલ સાથે કામ કર્યું છે આથી હવે તે આગળ શું નક્કી કરે તે હાલ અમે કહી શકીએ તેમ નથી.'

દીપકે પરિવારે જણાવ્યું કે, હાલની રાહત છતાં તેમની સૌથી મોટી ઈચ્છા હવે એટલી જ છે કે, અભિજીત લાંબા અને કઠિન આંદોલન બાદ સલામત રીતે ઘરે પાછો ફરે. તેમના કહેવા મુજબ, દીકરાની મહેનત, પ્રામાણિકતા અને વિદ્યાર્થીઓ માટેના સમર્પણને આખરે માન્યતા મળી છે. પરિવારની આ પ્રતિક્રિયામાં દીકરા પ્રત્યેનો ગર્વ, લાંબા સમયની ચિંતા અને હવે અનુભવાતી રાહતની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી.