Mumbai

રાજ્યમાં 2031 સુધી નવી ફાર્મસી કૉલેજોને મંજૂરી નહીં અપાય

By GS Team
17 May 20262 mins read
રાજ્યમાં 2031 સુધી નવી ફાર્મસી કૉલેજોને મંજૂરી નહીં અપાય

મહારાષ્ટ્રમાં ફાર્મસી કૉલેજોનો અનિયંત્રિત રાફડો ફાટયો

હજારો બેઠકો ખાલી રહેતાં પીસીઆઈ સમક્ષ પ્રતિબંધની માગ, શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર અપાશે

મુંબઇ - મહારાષ્ટ્રમાં ફાર્મસી શિક્ષણ ક્ષેત્રમાં બેકાબૂ રીતે વધી રહેલી કોલેજોની સંખ્યા અને ઘટતી શૈક્ષણિક ગુણવત્તાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ૨૦૩૧ સુધી નવી ફાર્મસી સંસ્થાઓને મંજૂરી ન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ અંગે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(પીસીઆઈ) સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં બી.ફાર્મ અને ડી.ફાર્મ કોલેજો શરૃ થતાં બેઠકો ખાલી રહેવાની સમસ્યા ગંભીર બની છે. ૨૦૨૪-૨૫ દરમિયાન આશરે ૨૬ હજારથી વધુ ફાર્મસી બેઠકો ખાલી રહી હતી, જેમાં લગભગ ૧૪ હજાર બી.ફાર્મ અને ૧૨,૪૦૦ ડી.ફાર્મ સીટ્સનો સમાવેશ થાય છે.

રાજ્યના ઉચ્ચ અને તંત્ર શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, હવે નવી કોલેજો ખોલવાને બદલે હાલની સંસ્થાઓમાં ગુણવત્તા સુધારવા, આધુનિક લેબોરેટરી, યોગ્ય ફેકલ્ટી અને ઉદ્યોગ સાથે સંકલન વધારવા પર ભાર મુકવામાં આવશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલા માસ્ટર પ્લાનમાં આગામી પાંચ વર્ષ સુધી નવી ફાર્મસી કોલેજોને મંજૂરી ન આપવા અને હાલની કોલેજોમાં સીટ્સ વધારવા પર પણ રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. 'ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટી મહત્વપૂર્ણ છે' એ અભિગમ સાથે ફાર્મસી શિક્ષણમાં સુધારાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ નિર્ણય પાછળનું એક મોટું કારણ રાજ્યભરમાં અનેક ફાર્મસી કોલેજોમાં સામે આવેલી અનિયમિતતાઓ પણ છે. છેલ્લા સમયમાં પીસીઆઈ અને રાજ્યના ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં ઘણી કોલેજોમાં ફેકલ્ટીની અછત, અપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની અપૂરતી સુવિધાઓ તેમજ ફાયર સેફ્ટી પ્રમાણપત્રોના અભાવ જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. આ કારણસર અનેક કોલેજોને પ્રવેશ પ્રક્રિયાથી દૂર પણ રાખવામાં આવી હતી. રાજ્ય સરકારનું માનવું છે કે નિયંત્રણ વગર વધતી સંસ્થાઓના કારણે ફાર્મસી શિક્ષણની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે, તેથી ૨૦૩૧ સુધી નવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.