Mumbai

હોટલોમાં ઓર્કેસ્ટ્રા બાર માટે હવે કોઈ નવાં લાયસન્સ નહિ અપાય

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં હવે ઓર્કેસ્ટ્રા બાર માટે નવાં લાયસન્સ નહીં અપાય, તેમજ જૂનાં પણ રિન્યૂ નહીં થાય. લાઈવ મ્યુઝિકના નામે ચાલતા અશ્લીલ ડાન્સ બાર પર અંકુશ લાવવા મહારાષ્ટ્ર સરકારે ચોમાસુ સત્રમાં બિલ રજૂ કર્યું હતું. 2016ના ડાન્સ બાર કાયદાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોટલોમાં ઓર્કેસ્ટ્રા બાર માટે હવે કોઈ નવાં લાયસન્સ નહિ અપાય

હાલનાં લાયસન્સ મુદત્ત પૂર્ણ થયા બાદ  રિન્યૂ પણ નહિ કરાય

ઓર્કેસ્ટ્રા બારના નામે છેવટે પ્રતિબંધિત ડાન્સ બાર જ ચાલુ રખાતાં હોવાના અનેક કિસ્સા બાદ વિધાનસભાએ લાદેલા નવા અંકુશોનો અમલ

મુંબઈ -  મહારાષ્ટ્રમાં હવે ઓર્કેસ્ટ્રા બાર માટે નવાં લાયસન્સ અપાશે  નહિ. આ ઉપરાંત જૂનાં લાયસન્સ પણ રિન્યૂ નહીં  કરાય. લાઈવ મ્યુઝિક બારના નામે છટકબારીનો લાભ ઉઠાવી પ્રતિબંધ હોવા છતાં પણ અશ્લીલ ડાન્સ બાર ચાલુ રખાતાં હોવાથી આ નિર્ણય  લેવાયો છે.

સરકારે ચોમાસુ સત્રમાં આ માટે બિલ રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૬માં ડાન્સ બાર કાયદો અમલમાં આવ્યા બાદ ડાન્સ પરફોર્મન્સ માટેના લાયસન્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે, અનેક સ્થળોએ ઓર્કેસ્ટ્રાના લાયસન્સનો ઉપયોગ ડાન્સ કાર્યક્રમો યોજવા માટે થતો હોવાની ફરિયાદો સતત મળી રહી હતી. તેના કારણે કાયદાનો મૂળ હેતુ ખોરવાતો હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું.

 નવી વ્યવસ્થા હેઠળ બાર અને હોટેલોમાં યોજાતા તમામ લાઇવ મ્યુઝિક કાર્યક્રમો પર વધુ કડક દેખરેખ રાખવામાં આવશે. ઓર્કેસ્ટ્રાની આડમાં કોઈપણ પ્રકારના ડાન્સ કાર્યક્રમો યોજાશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ ૨૦૧૬ના કાયદામાં નક્કી કરાયેલા તમામ નિયમો અને શરતોનું પાલન ફરજિયાત રહેશે.

 મહારાષ્ટ્ર સરકારે વર્ષ ૨૦૦૫માં ડાન્સ બાર પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે વર્ષ ૨૦૧૬માં નવો ડાન્સ બાર કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અશ્લીલ નૃત્ય પર પ્રતિબંધ મૂકાયો હતો,

જોકે, ત્યારે  નિર્ધારિત નિયમો અને શરતો સાથે મર્યાદિત દાયરામાં ડાન્સ પરફોર્મન્સને મંજૂરી આપવામાં આવી હતી.સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે ઓર્કેસ્ટ્રા સંબંધિત તમામ મંજૂરીઓ પણ વર્ષ ૨૦૧૬ના કાયદાની જોગવાઈઓ હેઠળ જ આપવામાં આવશે. ઓર્કેસ્ટ્રાના નામે કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.