Mumbai

આચાર્ય પાસેથી ખંડણી વસૂલનારી મહિલા પોલીસને આગોતરા જામીન નહિ

By GS Team
6 Jun 20262 mins read
આચાર્ય પાસેથી ખંડણી વસૂલનારી મહિલા પોલીસને આગોતરા જામીન નહિ

વિદ્યાર્થિનીને ખોટો કેસ કરવા  માટે ભોળવી હતી

આચાર્યને પોક્સો કેસમાં ફસાવી  દેવાની લાલચ આપી સાત લાખ રુપિયા વસૂલ્યા હતા

મુંબઈસગીરાનો  ઉપયોગ કરીને નામાંકીત કોલેજના પ્રિન્સિપાલને બ્લેકમેલ કરીને સાત લાખની ખંડણી વસૂલવાના કેસમાં બરતરફ મહિલા પોલીસ અધિકારી સોનાલી હિંગેની આગોતરા જામીન અરજી પુણે કોર્ટે ફગાવી છે.

આરોપીએ  પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં નહોય એવી કોલેજની મુલાકાત લીધી છે આથી તે ફરજનો ભાગ નથી. ઈલેક્ટ્રોનિક પુરાવા, ફોટોગ્રાફી, ગુના માટે વાપરેલા ઉપકરણો અને ખંડણીની રકમની તપાસ કરવા આરોપીની પોલીસ કસ્ટડીમાં તપાસ જરૃરી છે. એમ જણાવીને એડિશનલ સેશન્સ જજ લાડેકરે આદેશ આપ્યો હતો.

કેસ સંબંધીત પ્રિન્સિપાલે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. એ અનુસાર બરતરફ પોલીસ સબ ઈન્સપેક્ટર ત્ર્યંબક બડે, અમલદાર સુદામ બાલકૃષ્ણ તાયડે અને અમલદાર હિંગે સામે ખંડણી વસૂલવા કાવતરું ઘડવાનો આરોપ છે.  આ કેસમાં બડે અને તાયડેની ધરપકડ કરાઈ છે, ફરાર સોનાલી હિંગેએ આગોતરા જામીન અરજી કરી હતી.

કેસની વિગત અનુસાર શિવાજીનગર પોલીસ સ્ટેશનની દામિની સ્ક્વોડમાં નિયુક્ત સોનાલી હિંગેની એક સગીર વિદ્યાર્થિની સાથે ઓળખ થઈ હતી. તેને સારી કોલેજમાં પ્રવેશ અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. વિદ્યાર્થિનીને  તેનું જાતીય શોષણ થયાની ખોટી ફરિયાદ દાખલ   કરવા ફરજ પાડી હતી. કોલેજની વિદ્યાર્થિનીની આ ફરિયાદ બાદ પોલીસ અધિકારીઓએ આચાર્યને  જાતીય  અત્યાચારથી બાળકનું રક્ષણ કરવાના પોક્સો ગુના હેઠળ દાખલ કેસ દાખલ કરવાની અને ધરપકડ કરવાની  તથા બદનામી કરવાની ધમકી આપી સાત લાખની ખંડણી પડાવી હતી.

જોેકે, બાદમાં વિદ્યાર્થિનીને પોલીસ કર્મીઓએ કોઈ કોલેજમાં એડમિશન અપાવ્યું ન હતું. વિદ્યાર્થિનીના પરિવારે પોલીસ કમિશનરને જાણ કર્યા બાદ આ ખંડણી પ્રકરણનો  ખુલાસો થયો હતો.