Mumbai

નીરવ મોદીએ પ્રત્યાર્પણથી બચવા યુરોપની માનવાધિકાર કોર્ટમાં અપીલ નોંધાવી

By GS Team
16 Apr 20262 mins read
નીરવ મોદીએ પ્રત્યાર્પણથી બચવા યુરોપની માનવાધિકાર કોર્ટમાં અપીલ નોંધાવી

 ભાગેડુ નીરવ મોદીને વિદેશથી પરત  લઇ આવવામાં હવે લાંબો સમય લાગી શકે              

પંજાબ નેશનલ બેન્ક સાથે એક અબજ ડોલર્સ એટલે કે આઠ હજાર કરોડ રૃપિયાની છેતરપિંડી કરનાર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી પાસે યુકેમાં પોતાના પ્રત્યાર્પણને અટકાવવા માટે કોઇ કાનુની વિકલ્પ બાકી ન રહેતાં મોદીએ હવે યુરોપની માનવાધિકાર કોર્ટમાં પોતાનું પ્રત્યાર્પણ અટકાવવા માટે નિયમ ૩૯ હેઠળ એક ઇન્જક્શન અરજી નોંધાવી છે.

  લંડનની હાઇકોર્ટે ૨૫ માર્ચે નીરવ મોદીની પ્રત્યાર્પણ સામે કરવામાં આવેલી અપીલને ફરી ખોલવાની અરજીને નકારી કાઢી તે પછી નીરવ મોદી પાસે બ્રિટનમાં કોઇ કાનુની રસ્તો બચ્યો નહોતો. હવે નીરવ મોદીએ સ્ટ્રાસબર્ગ સ્થિત માનવાધિકાર અદાલત સમક્ષ પોતાના પ્રર્ત્યાર્પણ સામે ઇન્જકશન મેળવ્યું છે. 

નિયમ અનુસાર સીબીઆઇ ૧૫ માર્ચથી ૨૮ દિવસની અંદર બ્રિટનમાંથી ભારત લાવી શકી હોત પણ હવે જ્યાં સુધી આ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી નીરવ મોદીને ભારત પાછો લાવી શકાશે નહીં. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ-સીપીએસ-ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરવાનું નક્કી હતું પણ તેણે પોતાના પ્રત્યાર્પણ સામે યુરોપની માનવાધિકાર અદાલતમાં નિયમ ૩૯ હેઠળ અરજી નોંધાવી છે. અમે આ પ્રક્રિયામાં સામેલ નથી. 

યુરોપિયન માનવાધિકાર અદાલતની કાર્યવાહીથી વાકેફ જાણકાર વકીલોએ જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રક્રિયા લેખિતમાં થાય છે અને તેમાં કોઇ અદાલતી સુનાવણી થતી નથી.જો અદાલતના ન્યાયાધીશ બ્રિટન સરકાર પાસે વધારે માહિતી માંગે તો ચૂકાદો આપવામાં વિલંબ થઇ શકે છે. સામાન્ય રીતે અરજી ન્યાયાધીશ પાસે જાય એટલે ૪૮ કલાકમાં તો તેનો ફેંસલો થઇ જતો હોય છે. પણ અરજીનો કોઇ નિશ્ચિત સમયમર્યાદામાં ચૂકાદો આપવાનું કોઇ બંધન નથી.

જ્યાં સુધી આ અરજીનો ફેંસલો ન થાય ત્યાં સુધી બ્રિટન નીરવ મોદીને ભારત મોકલી શકશે નહીં. અરજદારે ન્યાયાધીશ સમક્ષ લેખિતમાં વિશ્વાસ અપાવવાનો રહે છે કે પ્રત્યાર્પણને કારણે તેને ઉલટાવી ન શકાય તેવું નુકશાન થાય તેમ છે અને તેણે પોતાના દેશના તમામ કાનુની વિકલ્પો અજમાવી લીધાં છે.  

જો કે  નિયમ ૩૯ હેઠળ રાહત મળે તેવી સંભાવના ઓછી રહ ે છે. આંકડાઓ અનુસાર ૨૦૨૫માં આવી ૨૭૦૧ અરજીઓ અદાલતને મળી હતી જેમાંથી માત્ર ૨૨૨ને જ મંજૂરી મળી હતી. મોટાભાગની અરજીઓને અદાલતે કાઢી નાંખી હતી. આમ, નીરવ મોદીને રાહત મળવાની સંભાવના ઓછી છે. પરંતુ જો નીરવ મોદીને આ અદાલત રાહત આપે તો પ્રત્યાર્પણ અટકી જાય. એ પછી બંને પક્ષો સુનાવણીમાં પોતપોતાની દલીલો કરે. જેના આધારે જજોની એક પેનલ માનવાધિકારનું ઉલ્લઘંન થયું છે કે કેમ તે નક્કી કરે છે. આમ, આ સમગ્ર પ્રક્રિયાને આખરી તારણ સુધી પહોંચવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે. 

આમ, નીરવ મોદીએ ભારતની જેલમાંથી બચવા એવો કાનુની દાવ ખેલ્યો છે કે તેને કારણે હાલ પૂરતી તો તેની પ્રત્યાર્પણની પ્રક્રિયા અટકી ગઇ છે.