Mumbai

નીટની ફેરપરીક્ષાના પ્રશ્નપત્રો વાયુસેનાની મદદથી મોકલવાનું શરુ

By GS Team
18 Jun 20262 mins read
નીટની ફેરપરીક્ષાના પ્રશ્નપત્રો વાયુસેનાની મદદથી મોકલવાનું શરુ

નાગપુર એરપોર્ટથી અનેક સ્થળે પેપર મોકલાયાં

કામગીરી દરમિયાન સીઅઆઈએસએફ અને એરપોર્ટ સ્ટાફને પણ પ્રવેશવા પર પ્રતિબંધ

મુંબઈ -  નીટ યુજી ૨૦૨૬ પરીક્ષાના પેપરો ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર મોકલવાનું શરુ થયું છે. નાગપુર એરપોર્ટથી  મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં  પેપર મોકલાયાં  હતાં.

 નાગપુર એરપોર્ટ પર વિમાનના આગમન બાદ સમગ્ર કામગીરી અત્યંત ગુપ્ત રીતે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે એન-૩૨, હેલિકોપ્ટર અને નાના વિમાનનો ઉપયોગ કરીને પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પ્રશ્નપત્રોને ૧૦થી ૧૫ વાહનોના કાફલામાં જિલ્લા ટ્રેઝરી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કેમ્પ શાખા સહિત વિવિધ સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.  જેમનાં સંતાનો નીટ પરીક્ષા ન આપી  રહ્યાં  હોય તેવા અધિકારીઓને જ આ કાર્યવાહીમાં  સામેલ કરવામાં આવ્યા હતા.

વધુમાં આ ઝુંબેશમાં ભાગ લેનારા અધિકારીઓ પાસેથી લેખિતમાં ખાતરી લેવામાં આવી હતી કે તેમના બાળકો કે સંબંધીઓ નીટ પરીક્ષામાં સામેલ ન થાય. વધુમાં ગુપ્તતા જાળવવા માટે નિયમિત એરપોર્ટ સ્ટાફ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના કર્મચારીઓને પણ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હતા.

નીટ- યુજી માટે મહારાષ્ટ્રમાં સૌથી વધુ પરીક્ષાના કેન્દ્રો છે. આમાં મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, અમરાવતી, ઔરંગાબાદ, કોલ્હાપુર જેવા મુખ્ય શહેરોમાં કુલ ૩૫ પરીક્ષા કેન્દ્રો છે.

નીટ પરીક્ષાની પૃષ્ઠભૂમિ વચ્ચે પ્રશ્નપત્રોની સુરક્ષા માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી સર્વેલન્સ, એક્સેસ કંટ્રોલ અને ૨૪ કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.