Mumbai

અજિતનાં અવસાન બાદ એનસીપી તૂટી શકે, મંત્રીમંડળમાં ફેરફારોની શક્યતા

By GS Team
29 Jan 20262 mins read
અજિતનાં અવસાન બાદ એનસીપી તૂટી શકે, મંત્રીમંડળમાં ફેરફારોની શક્યતા

- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલોનો દોર  શરુ થવાના ભણકારા

- બે એનસીપી મર્જ થાય પરંતુ સાથે સાથે કેટલાક નેતાઓ ભાજપ, શિંદે સેના કે કોંગ્રેસમાં પણ જોડાઈ શકે

મુંબઇ : અજિત પવારનાં વિમાન અકસ્માતમાં ંનિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પલ્ટો આવવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. બંને એનસીપીનું વિલિનીકરણ તો આજકાલમાં નક્કી જ મનાતું હતું પરંતુ હવે અજિત પવારની ગેરહાજરીમાં એનસીપીના કેટલાક નેતાઓ ભાજપ,એકનાથ શિંદેની શિવસેના અથવા તો કોંગ્રેસમાં પણ જોડાય તેવી અટકળો છે. બીજી તરફ હવે એનસીપી ક્વોટામાંથી કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે કેમ અથવા તો રાજ્ય મંત્રી મંડળમાં એનસીપીના  મંત્રીઓમાં ફેરબદલ થશે કે કેેમ તેની પણ ચર્ચા શરુ થઈ રહી છે. 

અજિત પવાર અને શરદ પવારની એનસીપીનું વિલિનીકરણ થવાનું છે  તેવા સંકેત તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દેખાયા હતા.  હવે એક અટકળ એવી છે કે ચૂંટણીનાં રાજકરણમાંથી નિવૃત્તની જાહેર  કરી ચૂકેલા  શરદ પવાર ફરી બન્ને પાર્ટીને એક કરીને થોડાક સમય સુધી નેતૃત્વ કરશે. ત્યારબાદ શરદ પવાર તેમની સાંસદ પુત્રી સુપ્રિયા સૂળેને  એન.સી.પી.ની કમાન આપી શકે છે. 

જોકે, સુપ્રિયાએ ક્યારેય પ્રદેશના રાજકારણમાં રસ લીધો નથી. તેમનું ફોક્સ હંમેશાં  રાષ્ટ્રીય રાજકારણ રહ્યું છે. આ સંજોગોમાં એનસીપીની પ્રદેશની  કમાન સુનીલ તટકરે, રોહિત પવાર કે સુનેત્રા પવારને સોંપાઈ શકે છે. જોકે, એનસીપીના સંખ્યાબંધ નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં સ્વતંત્ર વર્ચસ્વ ધરાવે છે. તેઓ આ નેતાઓના વડપણ હેઠળ પક્ષમાં કામ કરશે કે કેમ તે એક સવાલ છે. 

અજિત પવારના બે પુત્રો પાર્થ અને જય પવાર  પણ છે. પાર્થે થોડા સમય માટે રાજકરણમાં પગ મૂક્યો હતો. અને મહારાષ્ટ્રના માવલ મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ મોટા  માર્જિનથી હારી ગયા હતા. જ્યારે તેમનો બીજો પુત્ર જય રાજકરણથી દૂર રહ્યા છે. 

રાજકીય ચર્ચાઓ અનુસાર આ સંજોગોમાં સંખ્યાબંધ નેતાઓ સત્તા સાથે રહેવાનું પસંદ કરે તો ભાજપ અથવા તો એકનાથ શિંદેની શિવસેના સાથે રહેવાનું પસંદ કરી શકે છે. બીજી તરફ  એનસીપીના સંખ્યાબંધ નેતાઓ લઘુમતિ વોટબેન્ક પર આધાર ધરાવે છે. તેઓ કોંગ્રેસ ભણી પ્રયાણ કરી શકે છે. 

રાજ્યમાં હાલ જિલ્લા પરિષદોની ચૂંટણી ચાલી રહી છે. ત્યારબાદ ૨૦૨૯ સુધી કોઈ મોટી ચૂંટણી થવાની નથી. આથી, હાલના નેતાઓએ તત્કાળ ચૂંટણીનો સામનો કરવાનો નથી. આ સંજોગોમાં નેતાઓ તત્કાળ તો નહિ પરંતુ થોડા સમયમાં પોતપોતાનાં રાજકીય ભાવિ વિશે નિર્ણયો કરી શકે છે.