૭ ઈંચ વરસાદથી નાગપુર જળબંબાકાર ઃ રાજ્યભરમાં વ્યાપક વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ૩૦ જુલાઈ બાદ મધ્યમથી ભારે વરસાદની વકી
બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશનની તીવ્ર અસરથી નાશિક, પુણે, કોલ્હાપુરમાં તોફાની વરસાદ થશે ઃ મરાઠવાડામાં પહેલી મેઘ મહેર થશે
મુંબઇ - મહારાષ્ટ્રના નાગપુરમાં આજે સાંજના સાડા પાંચ સુધીમાં ૧૮૦ મિમિ એટલે કે આશરે ૭.૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકી પડતાં સમગ્ર મહાનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૨૯થી ૩૧,જુલાઇ- ૧,ઓગસ્ટ) દરમિયાન કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન( ૩૦ -૪૦ કિ.મી.) સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
મુંબઇમાં ૩૦, જુલાઇ બાદ દરિમયાન મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. છેલ્લા બે - ત્રણ દિવસથી મુંબઇનું વાતાવરણ વાદળિયું અને અંધારિયું રહે છે. પરિણામે સૂર્યનારાયણનાં દર્શન બહુ ઓછો સમય થાય છે. થોડા થોડા અંતરે વરસાદી ઝાપટાં પડતાં રહે છે.
આ જ ચાર દિવસ દરમિયાન કોંકણ( થાણે, પાલઘર,,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ગાજવીજ અને તીવ્ર પવન સાથે શ્રીકાર વરસાદ( યલો - ઓરેન્જ એલર્ટ), મધ્ય મહારાષ્ટ્ર( નાશિક ઘાટ, પુણે ઘાટ, કોલ્હાપુર ઘાટ, સાતારા ઘાટ પ્રદેશમાં ભારે તોફાની વરસાદ( ઓરેન્જ એલર્ટ), વિદર્ભ( ચંદ્રપુર, ગઢચિરોળી, ગોંદિયામાં આવતા ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વર્ષા( ઓરેન્જ એલર્ટ)ની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા,નાગપુર, વર્ધા,વાશીમ, યવતમાળમાં પણ અનરાધાર વર્ષા થવાની સંભાવના છે.
બીજીબાજુ આ જ ચાર દિવસ દરમિયાન મરાઠવાડામાં પણ સારો વરસાદ વરસે તેવાં સાનુકુળ પરિબળો સર્જાઇ રહ્યાં છે. ૨૦૨૬ના ચોમાસામાં પહેલી જ વખત મરાઠવાડામાં સંતોષકારક વરસાદના સંકેત મળે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રના કાંકણ,મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભની સરખામણીએ મરાઠવાડામાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસે છે. એટલે જ તો મરાઠવાડા દુકાળની સંભાવનાવાળો વિસ્તાર કહેવાય છે.
હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે ગુજરાત સમાચારને એવો વરતારો આપ્યો છે કે મુંબઇમાં ૩૦, જુલાઇ બાદ મધ્યમથી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ વરસે તેવાં સાનુકુળ કુદરતી પરિબળો છે. હાલ બંગાળના ઉપસાગર અને નજીકના ઓડિશાના સમુદ્રના ઉત્તર હિસ્સામાં ડીપ ડીપ્રશન( હવાના હળવા દબાણના કેન્દ્ર( લો -પ્રેશર)નું વધુ તીવ્ર સ્વરૃપ) સર્જાયું છે. ડીપ ડીપ્રેશનનું આ પરિબળ આજે ઉત્તર -પશ્ચિમ તરફ વધુ આગળ વધ્યું છે.આવતા ૨૪ કલાક દરમિયાન આ પરિબળ ઓડિશા, છત્તીસગઢ ભણી વધુ આગળ વધે તેવી સંભાવના છે. આ જ ડીપ ડીપ્રેશનની તીવ્ર અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભેજનો વિપુલ જથ્થો ઠલવાઇ રહ્યો હોવાથી જબરી મેઘ મહેર વરસશે.
હવામાન વિભાગ( નાગપુર કેન્દ્ર)ના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની તીવ્ર અસર વિદર્ભમાં થઇ રહી છે. આજે નાગપુર સહિત આખા વિદર્ભમાં જબરો વરસાદી માહોલ સર્જાયો છે. આવતા ત્રણ દિવસ(૨૯થી ૩૧, જુલાઇ દરમિયાન નાગપુરમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે ભારે તોફાની વરસાદ વરસે તેવો મેઘાડંબર સર્જાયો છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૫ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૧.૬ અને લઘુત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૨ - ૮૧ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૭ - ૮૫ ટકા જેટલું ઘણું ઝાઝું રહ્યું હતું.









