વરૃણદેવ અને પવનદેવની પ્રચંડ થપાટથી સતત દોડતું મુંબઈ થંભી ગયું ઃ ઘાટ વિસ્તારોમાં મેઘતાંડવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત ૪ દિવસ રેડ એલર્ટ, હજી આવતા બે દિવસ મહાનગરમાં મેઘરાજાનો રથ ફરતો રહેશે
મુંબઈમાં ૭૦થી ૯૦ કિ.મી.ની પ્રચંડ ગતિએ પવન ફૂંકાયોઃ ઘાટ પ્રદેશમાં રેડ એલર્ટ ઃ મુંબઈગરા સતત સાત દિવસ વરસાદ અને ચાર દિવસ રેડ એલર્ટથી હેબતાઈ ગયાઃ મહારાષ્ટ્રની નદીઓ, ડેમ છલકાયા
મુંબઈ - સતત ૨૪ કલાક ધબકતી રહેતી ભારતની આર્થિક રાજધાની આજે ૨૦૨૬ની છઠ્ઠી જુલાઈએ વરૃણદેવ અને પવનદેવની અતિ પ્રચંડ થપાટથી થંભી ગઈ હતી. છેલ્લાં બે દિવસ થી મુંબઈમાં આભ ફાટયુ હોઈ તેવો ગાંડોતૂર વરસાદ વરસી રહ્યો છે. સાથોસાથ ૭૦-૮૦ કિલોમીટરની તોફાની ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પવનની પ્રચંડ થપાટથી મહાનગરોમાં એક જ દિવસમાં લગભગ ૨૦૦ કરતાં પણ વધુ તોતિંગ- જૂનાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં છે.
હવામાન વિભાગે (મુંબઈ કેન્દ્ર) આજે સતત ચોથા દિવસે (૩, ૪, ૫,૬- જુલાઈ) પણ મુબઈ સહિત નજીકમાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ એમ લગભગ આખા કોંકણમાં રેડ એલર્ટની ચેતવણી જારી કરી હતી. છેલ્લાં દસ વર્ષમાં મુંબઈગરાએ સતત ચાર દિવસની રેડ એલર્ટનો અનુભવ નથી કર્યો. ઉપરાંત મુંબઈમાં ગઈ ૩૦, જૂનથી આજે ૬, જુલાઈએ એમ સતત સાત દિવસથી મુંબઈનું ગગન અનરાધાર વરસી રહ્યું છે. મુંબઈગરાએ એક સપ્તાહથી સૂર્યનારાયણનાં દર્શન નથી કર્યા.
ગઈકાલે પાંચમી જુલાઈએ મુંબઈમાં વરૃણદેવ અને પવનદેવનું જાણે કે સહિયારું તોફાન શરૃ થયું હોય તેઓ બિહામણો માહોલ સર્જાયો હતો, જે ચિંતાજનક પરિસ્થિતિ આજે ૬, જુલાઈના બીજા દિવસે પણ ચાલુ રહી છે. પૂર્વમાં ઘાટકોપર, મુલુંડ, કુર્લા, પવઈ, ભાંડુપ અને પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી, મલાડથી લઈને અંધેરી અને બાંદ્રા સુધીના પરામાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. સાથોસાથ નજીકના વસઈ, વિરાર, નાલાસોપારામાં જાણે કે વરસાદી પૂર ઉમટયા હોય તેવું ચિંતાજનક વાતાવરણ સર્જાયું હતું.
બીજી બાજુ ગાંડાતૂર વરસાદ અને પ્રચંડ પવનથી મહારાષ્ટ્રભરના ઘાટ પ્રદેશો (નાશિકઘાટ, પુણેઘાટ, સાતારા ઘાટ, કોલ્હાપુરઘાટ)માં પહાડો- ટેકરીઓ પરથી તોતિંગ ભેખડો ધસી પડી હોવાના સમાચાર મળે છે. ભેખડો ધસી પડવાથી મુંબઈ- પુણે સહિત નાશિક, નાગપુર તરફ જવાના હાઈ-વે પરનો ટ્રાફિક થંભી ગયો હતો. ખાસ કરીને મુશળધાર વરસાદથી મુંબઈ- ગોવાનો હાઈ-વે સતત ૨૪ કલાકથી બંધ હોવાના સમાચાર પણ મળે છે.
સતત મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રના પનવેલનો ગાડેશ્વર, રાયગઢનો કોલાડ, પાલઘરનો કવડાસ, વગેરે ડેમ છલકાઈ ગયા છે. સાથોસાથ પુણે નજીકના આળંદીની ઈન્દ્રાયણી નદી, સાંગલીની વારણા નદી અને મહાબળેશ્વરનું વેણ્ણા સરોવર પણ છલકાઈ ગયા હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગે આજે ૬, જુલાઈએ મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ માટે રેડ એલર્ટ જારી કરી હતી. મુંબઈમાં આવતીકાલે ૭, જુલાઈએ ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિ ભારે વર્ષા) અને ૮, જુલાઈ માટે યલો એલર્ટ (મુશળધાર વરસાદ)નો વરતારો આપ્યો છે. એટલે કે મુંબઈમાં હજી આવતા બે દિવસ સુધી શ્રીકાર વર્ષાની શક્યતા છે.
૯, જુલાઈ બાદ મુંબઈમાં મેઘરાજાનો રથ થોડોક વિરામ કરે તેવો સંકેત છે (થાણેમાં આવતીકાલે ૭, જુલાઈએ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ), પાલઘરમાં ૬- ૭ જુલાઈ રેડ એલર્ટ અને ૮, જુલાઈ યલો એલર્ટ, રાયગઢ માટે ૬- ૭ જુલાઈ રેડ એલર્ટ અને ૮ જુલાઈએ ઓરેન્જ એલર્ટ, રત્નાગિરિ માટે ૭ જુલાઈએ ઓરેન્જ એલર્ટ, ૮- ૯ જુલાઈ યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગમાં ૭, ૮ જુલાઈ યલો એલર્ટ જારી કરવામાં આવી છે.
નાશિક ઘાટ, પુણે, સાતારા ઘાટ પ્રદેશ માટે ૭- ૮ જુલાઈએ રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ બધા ઘાટ પ્રદેશો સમુદ્રની સપાટીથી ઘણી ઊંચાઈએ છે. પર્વતો- ટેકરીઓ અને ઘટાટોપ વૃક્ષોથી ઘેરાયેલા મહારાષ્ટ્રના આ તમામ ઘાટપ્રદેશોમાં દર ચોમાસામાં આભ ફાટે તેણે વરસાદ વરે છે.




