મુંબઈ યુનિ.ના પેપર લીકની તપાસ સીઆઈડીને સોંપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેનેજમેન્ટ કાઉન્સિલનો નિર્ણય
ટીવાયબીકોમના છઠ્ઠી સેમેસ્ટરના ત્રણ પેપર પરીક્ષા પહેલાં જ ફૂટયાનો મુદ્દો કાઉન્સિલમાં ગાજ્યો
મુંબઈ - નીટ પેપર લીકનો મુદ્દો હાલ ગાજી રહ્યો છે, ત્યારે મુંબઈ યુનિવર્સિટીની તૃતીય વર્ષ બી.કોમ. (ટીવાયબીકોમ) પરીક્ષાના પેપર લીક પ્રકરણની તપાસ હવે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (સીઆઈડી)ને સોંપવામાં આવશે. યુનિવર્સિટીની વ્યવસ્થાપન પરિષદ (મેનેજમેન્ટ કાઉન્સિલ)ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તેમજ સઘન તપાસ થાય તે માટે સીઆઈડી તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી તરફથી જણાવાયું છે.
વ્યવસ્થાપન પરિષદની બેઠક દરમિયાન સભ્યોએ પેપર લીક પ્રકરણમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ખાસ કરીને, વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? અને દોષિતોને કોઈપણ પ્રકારનું રક્ષણ ન આપવું જોઈએ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. પેપરફૂટીના બનાવને કારણે યુનિવસટી પ્રશાસનની કામગીરી પર સવાલો ઊભા થયા હતા અને તપાસમાં સંપૂર્ણ પારદશતા રાખવાની જરૃરિયાત પર ભાર મૂકાયો હતો.
આ પ્રકરણ એપ્રિલમાં યોજાયેલી ટીવાયબીકોમ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થયાના આરોપો બાદ ચર્ચામાં આવ્યું હતું. અગાઉ આ મામલે પોલીસ તપાસ અને આંતરિક તપાસ ચાલી રહી હતી, પરંતુ હવે વ્યવસ્થાપન પરિષદે સીઆઈડી તપાસને મંજૂરી આપતાં સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસનો માર્ગ મોકળો થયો છે. યુનિવસટીએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં જે કોઈ પણ જવાબદાર જણાશે તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને અને વિદ્યાર્થીઓનો પરીક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ જળવાઈ રહે.









