Mumbai

૩૮ ડિગ્રી લગોલગ ગરમીથી મુંબઈ ત્રાહિમામઃ ભેજ ૨૪ ટકા ઘટી ગયો

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરિમાં આજે પણ અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ થયો. મુંબઈમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગે આ સ્થળોએ યલો એલર્ટ જારી કર્યું છે, જે આવતીકાલે પણ યથાવત રહેશે. પૂર્વના પવનો અને એન્ટિ-સાયક્લોનની અસરને કારણે ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેના લીધે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૮ ડિગ્રી લગોલગ ગરમીથી મુંબઈ ત્રાહિમામઃ ભેજ ૨૪ ટકા ઘટી ગયો

મુંબઈ, થાણે, પાલઘરમાં આજે પણ યલો એલર્ટ

થાણે, પાલઘર, રાયગઢ,  રત્નાગિરિમાં પણ આકરા  ઉનાળા જેવો માહોલ ઃ  ગિરિ મથક મહાબળેશ્વરમાં  ૧૭.૯ ડિગ્રી સાથે આછેરી ઠંડી 

મુંબઇ -         ૨૦૨૬ના ચોમાસાની વિદાય સાથે જ  મુંબઇગરાં  હીટ વેવમાં રીતસર શેકાઇ રહ્યાં છે. આજે ૯, ઓક્ટોબરે   મુંબઇમાં મહત્તમ તાપમાન( સાંતાક્રૂઝ) ૩૭.૮ (જે ૩૮.૦ ડિગ્રી જેટલું કહી શકાય)   ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઇકાલે ૮, ઓક્ટોબરે ગરમીનો પારો ૩૭.૬( સાંતાક્રૂઝ) જેટલો હોટ હોટ   નોંધાયો હતો.

   આમ  આજે  મુંબઇમાં મહત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ(કોલાબા) ફક્ત ૨૪ કલાકમાં ૨૪ ટકા જેટલું ઘટી ગયું હતું. 

     હવામાન વિભાગે આજે  ૯, ઓક્ટેબરે મુંબઇ સહિત થાણે, રાયગઢ, રત્નાગિરિ એમ ત્રણ સ્થળે હીટ વેવની ચેતવણી( યલો એલર્ટ)  જારી કરી હતી.  હજી  આવતીકાલે ૧૦, ઓક્ટોબરે પણ મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ એમ  ચાર સ્થળે અસહ્ય ગરમી, ઉકળાટ,બફારાનું વાતાવરણ સર્જાવાની ચેતવણી  જારી કરવામાં  આવી છે. એટલે કે  મુંબઇકરોએ હજી  આવતા ૨૪ કલાક સુધી ગરમીની ભઠ્ઠીમાં શેકાવું પડે તેવાં  કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં   છે.

      આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૭.૦ અને લઘુત્તમ તાપમાન   ૨૭.૧ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૭.૮ અને લઘુત્તમ તાપમાન   ૨૫.૮  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે  કોલાબામાં   ભેજનું પ્રમાણ  ૮૧ - ૪૪ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં  ભેજનું પ્રમાણ ૭૩ - ૪૭ ટકા જેટલું ઓછું રહ્યું હતું.

       ગઇકાલે ૮, ઓક્ટોબરે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૯ - ૬૮ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ  ૭૮ - ૫૫ ટકા રહ્યું હતું. આમ આજે ૯, ઓક્ટોબરે  મુંબઇમાં ભેજના પ્રમાણમાં સીધો ૨૪ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો.

       હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી  આપી  હતી કે હાલ  મુંબઇ પર પૂર્વ દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે. પૂર્વના પવનોને કારણે અરબી સમુદ્ર પરથી જમીન પર આવતી પવનની લહેરખી( જેને  હવામાનશાસ્ત્રની ભાષામાં  સી બ્રીઝ  કહેવાય છે)  ની ગતિવિધિમાં  અવરોધ સર્જાય છે. એટલે કે સામાન્ય રીત સી બ્રીઝ જમીન પર બપોરના ૧૧ દરમિયાન આવે છે. જોકે હાલ પૂર્વના પવનોને કારણે સી બ્રીઝ બપોરના એક દરમિયાન જમીન પર આવે છે.

      સી બ્રીઝ  જમીન પર બપોરના એક દરમિયાન એટલે કે મોડી આવે તો તે દરમિયાન  સૂર્યનાં તેજ કિરણોથી  જમીનનું તાપમાન વધી જાય. સરવાળે જમીનની વરાળ આખા વાતાવરણમાં ફેલાઇ જાય. મહત્તમ તાપમાનમાં વધારો થાય. સમગ્ર વાતાવરણ ઉનું ઉનું થઇ જાય. જોકે સી બ્રીઝ બપોરના ૧૧ દરમિયાન  જમીન પર આવી જાય તો જમીનના તાપમાનમાં વધારો  ન થયો  હોય. પરિણામે વાતાવરણમાં ગરમીનો અનુભવ  ન થાય.

     ઉપરાંત,    હાલ મુંબઇ પર એન્ટિ સાયક્લોનની પણ તીવ્ર અસર છે. ે એન્ટિ સાયક્લોનની અસર હોય ત્યારે વાતાવરણના ઉપરના પટ્ટામાં (પૃથ્વીના વાતાવરણના પહેલા ૧૫   કિલોમીટર સુધીના પટ્ટાને ટ્રોપોસ્ફિયર કહેવાય છે) જબરદસ્ત દબાણ સર્જાય છે.   પરિણામે હવા ઉપરના વાતાવરણમાં જઇ શકતી નથી. વળી, બપોરે  સૂર્યનાં તેજ કિરણોને કારણે જમીનનું તાપમાન વધી જાય છે. હવા પણ ગરમ થઇ જાય. જોકે આ ગરમ હવા ઉપરના હિસ્સામાં જઇ શકતી નથી અને નીચેના વાતાવરણમાં જ ગોળ ગોળ ઘુમ્યા કરે છે. આ  બધાં પરિબળોને કારણે સમગ્ર વાતાવરણ ગરમ થઇ જાય અને મહત્તમ તાપમાન પણ વધી જાય.

     આજે મહારાષ્ટ્રના જળગાંવમાં મહત્તમ તાપમાન ૩૮.૫, માલેગાંવ -૩૮.૪,  દહાણુ -૩૬.૯, સોલાપુર -૩૭.૭, સાતારા- ૩૬.૭, રત્નાગિરિ - ૩૬.૭ ડિગ્રી સેલ્સિયસ  નોંધાયું હોવાના સમાચાર મળે છે.