લોનાવલા પાસે ભૂસ્ખલનને પગલે બીજા દિવસે પણ મુંબઈ-પુણે ટ્રેનો ઠપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોલાપુરથી મુંબઈ આવતી વંદેભારતને પુણે જ અટકાવી દેવાઈ
ડેક્કન એક્સપપ્રેસ, ડેક્કન ક્વિન સહિતની ટ્રેનો સંપૂર્ણ રદઃ અનેક ટ્રેનો ડાયવર્ટ , આજની ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેન પણ રદ
મુંબઈ - મુંબઈ-પુણે રેલમાર્ગ પર સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભોરઘાટ વિસ્તારમાં ઠાકુરવાડી અને મંકી હિલ વચ્ચે રેલવે ટ્રેક પર અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં ટ્રેક પર માટી અને મોટા પથ્થરો ધસી આવતાં ૧૪ ટ્રેનો રદ કરાઈ હતી. સોલાપુર- સીએસએમટી વંદેભારત એક્સપ્રેસની સેવા પણ પુણે ખાતે જ અટકાવાઈ હતી. લોનાવલા- કર્જત દક્ષિણ પૂર્વીય ઘાટ વિભાગમાં ભૂસ્ખલનને કારણે ૪૧ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ૫૯ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. તો ૨૦ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. બાવીસ ટ્રેનોના સ્ટોપ રદ્દ કરવામાં આવ્યા હતા અને ચાર ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પુણે- લોનાવલા રુટ પર ચાર લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી.
વિગત મુજબ, ભૂસ્ખલનને કારણે આ તમામને કારણે બીજા દિવસે મંગળવારે પણ પુણે- સોલાપુર ઈન્ટરસિટી, સોલાપુર- પુણે ઈન્ટરસિટી, પુણે- સીએસએમટી ઈન્દ્રાયણી એક્સપ્રેસ, પુણે- સીએમએસટી ઈન્ટરસિટી, ડેક્કન એક્સપ્રેસ, સીએસએમટી- પુણે ડેક્કન ક્વીન, પ્રગતિ એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ, સીએસએમટી- ધુળે અને ધુળે- સીએસએમટી એક્સપ્રેસ તેમજ સતારા- દાદર એક્સપ્રેસને રદ્દ કરવામાં આવી હતી.તો ૮ જુલાઈની ભુજ- પુણે એક્સપ્રેસ પણ રદ્દ કરવામાં આવી હતી.
ઉપરાંત સીએસએમટી- કોલ્હાપુર ટ્રેન સીએસએમટી અને કરાડ વચ્ચે આંશિક રદ્દ કરવામાં આવી હતી અને કરાડથી નિર્ધારિત સમયપત્રક મુજબ દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત ચેન્નઈ- સીએસએમટી, વેલંકની- દાદર, નાંદેડ- પનવેલ, યશંવતપુર- બાડમેર અને કોઈમ્બતુર- લોકમાન્ય તિલક ટર્મિનસ ટ્રેનોને તથા જળગાંવ- પાલઘી- સુરત થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.
હુબલી- દાદર, હૈદરાબાદ- સીએસએમટી અને સોલાપુર- સીએસએમટી ટ્રેનો પુણે સ્ટેશન સુધી દોડાવવામાં આવી હતી. જ્યારે દાદર- હુબલી, સીએસએમટી- સિંકદરાબાદ અને સીએસએમટી- સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ પુણે સ્ટેશનથી આગળની મુસાફરી માટે શરુ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીએસએમટી- નાંદેડ ટ્રેન તેના નિર્ધારિત સમય ૧.૧૫ વાગ્યાના બદલે બે કલાક મોડી રવાના થઈ હતી.
આ તમામને કારણે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી હતી કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમની ટ્રેનની વર્તમાન સ્થિતિ તપાસે અને આ બાદ મુસાફરીનું આયોજન કરે. બીજી તરફ ભૂસ્ખલનની ઘટનાને પગલે રેલવેના ઇજનેરી વિભાગ, ટ્રેક મેન્ટેનન્સ ટીમો અને રાહત દળોને એમ કુલ ૪૦૦થી વધુ કર્મચારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ બાદ ભારે મશીનરીની મદદથી ટ્રેક પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેકની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થયા બાદ જ ટ્રેન સેવા તબક્કાવાર શરૃ કરવામાં આવશે.




