Mumbai

સીઈટીની બનાવટી માર્કશીટ આપનાર વિદ્યાર્થીનો પ્રવેશ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે CET માર્કશીટમાં ચેડાં કરીને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કરનાર વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી છે. પુણેની યુનિવર્સિટીમાં B.Tech. રીન્યુએબલ એનર્જી એન્જિનીયરીંગમાં કામચલાઉ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની ગુણપત્રિકા શંકાસ્પદ જણાતા યુનિવર્સિટીએ પ્રવેશ રદ કર્યો હતો. વિદ્યાર્થીને વાસ્તવમાં 7.84% અને 13.54% પર્સેન્ટાઈલ મળ્યા હતા, પરંતુ તેણે 78.87% અને 73.54% દર્શાવ્યા હતા. હાઈકોર્ટે તેને પ્રમાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય ગણાવી, પ્રવેશ રદ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીઈટીની બનાવટી માર્કશીટ આપનાર વિદ્યાર્થીનો પ્રવેશ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો

વાસ્તવિક પર્સેન્ટાઈલથી વધુ માર્ક બનાવી પ્રવેશ મેળવવા પ્રયાસ

પરીક્ષા પ્રક્રિયાની નિષ્ઠા સાથે ચેડાં કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નહીં, પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દેવાય ઃ હાઈકોર્ટ

મુંબઈ  - મુંબઈ હાઈકોર્ટે સીઈટીની માર્કશીટમાં ચેડાં કરીને એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી છે. પુણેની એક ખાનગી યુનિવર્સિટીમાં સંબંધિત વિદ્યાર્થીએ બી.ટેક. રીન્યુએબલ એનર્જી એન્જિનીયરીંગના પ્રથમ વર્ષમાં કામચલાઉ પ્રવેશ મેળવ્યો હતો. જોકે, પ્રવેશ માટે રજૂ કરવામાં આવેલી ગુણપત્રિકા શંકાસ્પદ જણાતાં યુનિવર્સિટીએ તેનો પ્રવેશ રદ કર્યો હતો. વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે તેણે આ ગુણપત્રિકા સીઈટીની વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરી હતી અને આ અંગે તેણે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.

વિદ્યાર્થીએ રજૂ કરેલી માર્કશીટમાં વિસંગતતા જણાતાં યુનિવર્સિટીએ ૧૪ જુલાઈના રોજ ઈ-મેલ દ્વારા તેને પ્રવેશ રદ કર્યાની જાણ કરી હતી. ત્યારબાદ ૧૭ જુલાઈએ વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે માર્કશીટના બે સેટ વચ્ચેની વિસંગતતાની નોંધ લઈને સીઈટી સેલને તપાસના નિર્દેશ આપ્યા હતા. સીઈટી સેલે ૪ ઑગસ્ટે અહેવાલ રજૂ કરીને માર્કશીટમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું અને તે બનાવટી હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીને પ્રથમ પ્રયાસમાં વાસ્તવમાં ૭.૮૪૭૪૭૦૭ પર્સેન્ટાઈલ મળ્યા હતા, જ્યારે રજૂ કરેલી માર્કશીટમાં તેને ૭૮.૮૭૪૭૦૭ દર્શાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે બીજા પ્રયાસમાં વાસ્તવિક પર્સેન્ટાઈલ ૧૩.૫૪૮૨૩૬૪ હતા, જ્યારે માર્કશીટમાં તે ૭૩.૫૪૮૨૩૬૪ કરીને દર્શાવાયા હતા.

રાજ્યની સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલે વિદ્યાર્થીએ આપેલી બંને સીઈટી પરીક્ષાના મૂળ પરિણામોની નોંધો કોર્ટમાં રજૂ કરી હતી. આ દસ્તાવજોના આધારે વિદ્યાર્થીએ યુનિવર્સિટી તેમજ કોર્ટમાં રજૂ કરેલી માર્કશીટમાં ચેડાં કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. ન્યાયમૂર્તિ ફરહાન પી. દુબાશ અને ન્યાયમર્તિ આર. આઈ. છાગલાની ખંડપીઠે સીઈટી સેલના નિષ્કર્ષને માન્ય રાખીને વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી હતી. સાથે જ વિદ્યાર્થીને મળેલો પ્રવેશ પણ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, માર્ક, પર્સેન્ટાઈલ અથવા ગુણપત્રિકામાં ચેડાં કરવાનો પ્રયાસ પરીક્ષા પ્રક્રિયાની નિષ્ઠા પર સીધો પ્રહાર છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુણવત્તા અને યોગ્યતા મહત્ત્વપૂર્ણ આધાર છે, તેથી અનધિકૃત માર્ગે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. આવી છેતરપિંડીથી માત્ર સંબંધિત વિદ્યાર્થીને જ નુકસાન થતું નથી, પરંતુ પ્રમાણિકતાથી પરીક્ષા આપી ગુણવત્તાના આધારે પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થાય છે. વિદ્યાર્થીએ ઉચ્ચ પર્સેન્ટાઈલ દર્શાવવા માટે રજૂ કરેલી માર્કશીટ બનાવટી હોવાનું સ્પષ્ટ થતાં સીઈટી સેલના નિષ્કર્ષ પર અવિશ્વાસ કરવા માટે કોઈ નક્કર કારણ ન હોવાનું જણાવી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.