Mumbai

મુંબઈને ૧૦ દિવસ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડયું

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં દર ચોમાસે 2000 મિ.મી. વરસાદ પડે છે, છતાં ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. ડેમની સુરક્ષા માટે વધારાનું પાણી અરબી સમુદ્રમાં છોડવું પડે છે. છેલ્લા 8 દિવસમાં 10 દિવસ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો દરિયામાં ઠલવાયો. રેઈન વોટર હાર્વેસ્ટિંગ કે વધારાના જળાશયોના અભાવે કરોડો લીટર પાણી વેડફાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈને ૧૦ દિવસ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડયું

કુદરત મબલખ પાણી આપે છે પણ સાચવવાની ત્રેવડ નથી

જળાશયોને નુકસાન ન થાય તે માટે વધારાનું પાણી છોડી જ દેવુું પડે છેઃ રેઈન વોટર હાર્વેસ્ટિંગની કોઈને પરવા નથી

મુંબઈ -  મુંબઈમાં દર ચોમાસે બીજા કોઈ મહાનગરમાં ન પડતો હોય એટલો લગભગ ૨૦૦૦ મિ.મી. વરસાદ પડે છે. આમ છતાં ઉનાળામાં કાયમ પાણીની ખેંચ ઉભી થાય છે અને બીએમસીએ પાણી-કાપ મૂકવો પડે છે. કારણ વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે કરોડોલીટર પાણી દરિયામાં વહ્યું જાય છે.

છેલ્લાં આઠ દિવસ દરમ્યાન મુંબઈમાંથી ૧૦ દિવસ ચાલે એટલો પીવાના પાણીનો જથ્થો અરબી સમુદ્રમાં ઠલવાયો હતો. આટલા મોટા પ્રમાણમાં પાણી દરિયામાં વહી જતું હોવાને કારણે જ દરરોજ ૪૦૦ મિલિયન લીટર (એમ.એલ.ડી.) પાણીની ખેંચ વર્તાય છે. તેનું કારણ એ છે કે મુંબઈની આસપાસના ડેમની સલામતી ધ્યાનમાં લઈ પાણીનો પુરતો સંગ્રહ થઈ શકતો નથી.

મુંબઈની પાણીની જરૃરિયાત આસપાસના જિલ્લામાં આવેલા સાત જળાશયો પૂરી કરે છે. મુંબઈમાં અને આસપાસના જિલ્લામાં મુશળધાર વરસાદ પડે ત્યારે જળાશયોમાં પાણીની આવક પ્રચંડ માત્રામાં વધી જાય છે. હવે જ્યારે આ જળાશયોની જળસંગ્રહની ક્ષમતા ચરમ સીમાએ પહોંચે ત્યારે ડેમના દરવાજા ખોલી નાખવા પડે છે જેથી ડેમના માળખાંને નુકસાન ન થાય આમ જળાશયો છલકાયા પછી પાણી નદીઓમાં છોડવામાં આવે છે અને નદીઓમાંથી છેવટે અરબી સમુદ્રમાં ઠલવાતું હોય છે. નિષ્ણાતોના મત અનુસાર એકવાર ડેમ ફૂલ થઈ ગયા પછી દરવાજા ખોલીને વધારાના પાણીનો વિસર્ગ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી હોતાં. મુંબઈની જળસમસ્યાના મૂળમાં આ જ કારણ છે. વધારાના સંગ્રહ કરી શકાય એવું યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. આથી જળાશયો  છલકાયા પછી જે વરસાદી પાણી નદી મારફત દરિયામાં વહી જતું હોય તેને રોકી નથી શકાતું.

દેશમાં અમુક સ્થળોએ નદીપાત્રમાં વહેતા પાણીને સંગ્રહી રાખવા માટે એકબીજા સાથે જોડાયેલા જળાશયોની વ્યવસ્થા છે. એ જળાશય છલકાય એટલે તેનું પાણી બીજા જળાશયમાં જાય અને આમ વરસાદનું પાણી વેડફાતું બચાવી શકાય. પરંતુ મુંબઈમાં આવી કોઈ જ વ્યવસ્થા નથી. એટલે જળાશયો છલકાયા પછી વધારાનું પાણી દરિયામાં જ વહી જાય છે. જો આ પાણીનો સંગ્રહ કરવા માટે યોગ્ય માળખું રચવામાં આવે તો આખું વર્ષ પાણી પુરવઠાની કોઈ ચિંતા ન રહે.

મુંબઈની પાણીની સમસ્યા નિવારવા માટે નિષ્ણાતોના મત મુજબ જળસંગ્રહ માટે વધારે જળાશયો બાંધવા જોઈએ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને વધુ વ્યાપક બનાવવી જોઈએ, પાણીના વિતરણ વખતે પાઈપ લાઈનમાંથી મોટા પાયે થતું ગળતર અટકાવવું જોઈઅ, મેલા પાણીને શુદ્ધ કરી ફેરઉપયોગમાં લેવું જોઈએ. આ પગલાં લેવાશે તો દરરોજ લાખો લીટર પાણી વેડફાતું બચાવી શકાશે.