મુંબઈ ફાયર બ્રિગેડને મળી પ્રથમ મહિલા ડ્રાઈવર-કમ-ઓપરેટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૯ વર્ષીય પલ્લવી પાટીલે જવાબદારી સંભાળી, ફાયર એન્જિન ચલાવવા સાથે આધુનિક સાધનોનું સંચાલન પણ કરશે
મુંબઈ - મુંબઈના સદી જૂના ફાયર બ્રિગેડના ઇતિહાસમાં સૌપ્રથમવાર ૨૯ વર્ષીય પલ્લવી પાટીલની પ્રથમ મહિલા ડ્રાઇવર-કમ-ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ૧૮ જૂનના રોજ સત્તાવાર રીતે ફરજ સંભાળી હતી. આ નિમણૂક સાથે ફાયર બ્રિગેડમાં વર્ષોથી પુરુષોનું વર્ચસ્વ ધરાવતા એક મહત્વપૂર્ણ હોદ્દા પર મહિલાએ સ્થાન મેળવતાં લિંગ સમાનતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
ડ્રાઇવર-કમ-ઓપરેટર તરીકે પલ્લવી પાટીલ માત્ર અગ્નિશામક વાહન હંકારશે એટલું જ નહીં, પરંતુ આગ બુઝાવવા માટે વાહનમાં લગાવાયેલા આધુનિક સાધનોનું સંચાલન પણ કરશે. આ જવાબદારી માટે ભારે વાહન ચલાવવાની કુશળતા, તકનીકી જ્ઞાાન અને આપત્તિની સ્થિતિમાં ઝડપથી તેમજ શાંતિપૂર્વક નિર્ણય લેવાની ક્ષમતા જરૃરી હોય છે, કારણ કે આવી પરિસ્થિતિમાં દરેક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે.
મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ આ નિમણૂકને ઐતિહાસિક ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ, મહિલાઓને અગ્નિશામક અને અન્ય તકનીકી ક્ષેત્રોમાં સમાન તક આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે. પલ્લવી પાટીલની સફળતા અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૃપ બનશે અને તેઓને આ પ્રકારની પડકારજનક સેવાઓમાં જોડાવા માટે પ્રોત્સાહન મળશે.
તાજેતરના વર્ષોમાં મુંબઈની વિવિધ જાહેર સેવાઓમાં મહિલાઓએ અનેક નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે. પલ્લવી પાટીલની આ સિદ્ધિ પણ તે જ પરિવર્તનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમની નિમણૂક માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાન તકના સંદેશને વધુ મજબૂત બનાવતી ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
પલ્લવીને દસમા ધોરણથી જ વાહન ચલાવવાનો ખૂબ શોખ હતો. પરંતુ તેણે કદી વિચાર્યું નહોતું કે તે આ રીતે ફાયરબ્રિગેડમાં જોડાશે. તેના પિતાને પહેલેથી સૈન્યમાં જોડાવાની ઈચ્છા હતી. પરંતુ પારિવારીક જવાબદારીઓને કારણે તેમણે ખેતીકામ કરવું પસંદ કર્યું. દાયકા પહેલાં આવેલી મુંબઈ ફાયરબ્રિગેડની જાહેરાતમાં જોડાવા તેના પિતાએ તેને પ્રોત્સાહન આપેલું. જોકે પુણે યુનિવર્સિટીમાંથી બીએસસી કરનારી પલ્લવી પાટીલે પિતાનું એ સ્વપ્ન સાકાર કર્યું. ફાયરબ્રિગેડમાં જોડાયા બાદ તેણે વરિષ્ઠોને એવું જણાવ્યું કે તેને ડ્રાઈવર-કમ-ઓપરેટર થવાની ઈચ્છા છે, ત્યારે તેમણે પણ સાથ આપતાં આ શક્ય બન્યું.




