Mumbai

રાયગઢમાં મ્યૂલ અકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશઃ સગીર સહિત છની ધરપકડ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
રાયગઢ પોલીસે સાયબર ફ્રોડના મ્યૂઅલ બેંક અકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 1 સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે 72 ATM કાર્ડ, 52 સીમ કાર્ડ, 18 મોબાઇલ ફોન, 3 લેપટોપ અને ₹57,000 રોકડા જપ્ત કર્યા છે. આરોપીઓ કમિશન માટે અન્યના નામે ખોલાવેલા બેંક અકાઉન્ટ, ATM કાર્ડ અને સીમ કાર્ડ પૂરા પાડતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાયગઢમાં મ્યૂલ અકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશઃ સગીર સહિત છની ધરપકડ

મુંબઈ : રાયગઢ પોલીસે સાયબર ફ્રોડમાં વપરાતા મ્યૂઅલ બેંક અકાઉન્ટ અને સીમ કાર્ડ પૂરા પાડતા કથિત નેટવર્કનો પર્દાફાશ કરીને સગીર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. રાયગઢ સાયબર પોલીસની કાર્યવાહીમાં ૭૨ એટીએમ કાર્ડ, બાવન સીમ કાર્ડ, ૧૮ મોબાઇલ ફોન, ત્રણ લેપટોપ અને રુ. સતાવન હજાર રોકડ સહિત મોટી માત્રામાં સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકાઉન્ટનો ઉપયોગ વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી મળેલા નાણાંને અલગ- અલગ સ્થળે ટ્રાન્સફર કરવા માટે થતો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કથિત રીતે કમિશનના બદલામાં અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક અકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અને સીમ કાર્ડ આરોપીઓ સુધી પહોંચાડતા હતા. આ અકાઉન્ટમાં કથિત રીતે ફેક ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ, પાર્ટ-ટાઇમ નોકરીની ઓફર, ડિજિટલ અરેસ્ટ અને શેરબજાર સંબંધિત ફ્રોડથી મેળવેલા નાણાં જમા કરવામાં આવતા હતા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોટગ પોર્ટલ (એનસીસીઆરપી) પર મળેલી ફરિયાદોની તપાસ દરમિયાન કેટલાક એકાઉન્ટ સામે મોટી સંખ્યામાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
તપાસના પ્રારંભિક તબક્કામાં પેન વિસ્તારમાંથી પચ્ચીસ વર્ષીય મયુર મ્હાત્રે અને આંધ્રપ્રદેશના કાકીનાડાના ૨૩ વર્ષીય પવનકુમાર ચિલિમુંતાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મ્હાત્રે કમિશન માટે મ્યૂલ અકાઉન્ટ અને સીમ કાર્ડની વ્યવસ્થા કરતો હતો અને ત્યારબાદ તે આ તમામ સામ્રગી કુરિયર મારફતે પુણે અને હૈદરાબાદમાં રહેલા કથિત મુખ્ય સંચાલકો સુધી પહોંચાડવામાં આવતી હતી.
આગળ તપાસ કરતા પિંપરી-ચિંચવડમાંથી ૧૯ વર્ષીય અભિષેક ગુપ્તાની ધરપકડ કરી હતી. વધુમાં ૨૨ વર્ષીય અમનકુમાર ગુપ્તા કથિત રીતે મુખ્ય સંચાલક તરીકે કામ કરતો હોવાનો આરોપ છે. આ કેસમાં ૧૬ વર્ષીય સગીર જે કથિત રીતે સાયબર ફ્રોડની રકમ યુએસડીટી વોલેટ મારફતે વિદેશ મોકલવામાં સામેલ હોવાનો આરોપસર અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં વધુમાં કાનપુરના ૨૧ વર્ષીય વંશ સિંહની પણ ધરપકડ કરી હતી. તપાસ અનુસાર, તે અભિષેક ગુપ્તાના સંપર્કમાં હતો અને વિવિધ ટેલિગ્રામ હેન્ડલર્સ મારફતે મ્યૂલ અકાઉન્ટ અને સીમ કાર્ડ મેળવવામાં કથિત રીતે મદદ કરતો હતો તથા આ તમામ સીમ અને મ્યુઅલ એકાઉન્ટ કુરિયર મારફતે અલગ-અલગ સરનામે મોકલવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નેટવર્કના કેટલાક સભ્યો એટીએમ સહિત અન્ય માધ્યમોથી સાયબર ફ્રોડની રકમ ઉપાડતા.