ચોમાસાની ગતિ ધીમી પડી : મુંબઇ પહોંચવામાં હજુ 7-8 દિવસ લાગશે

- 43 ડિગ્રી સાથે વારાણસી દેશનું સૌથી ગરમ શહેર
- ચોમાસાની ઝડપ ધીમી પડવાથી અનેક રાજ્યોમાં જળ સંકટ અને ગરમીનું વાતવરણ બની રહેવાની શક્યતા
- ઉ.પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મ.પ્રદેશ અને બિહારનાં અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની ઝડપ ધીમી પડવાથી અનેક રાજ્યોમાં જળ સંક્ટ અને ગરમીનું વાતાવરણ બની રહેશે. જો કે કેટલાક રાજ્યોમાં તોફાન અને વરસાદથી રાહત મળી છે. ખાનગી હવામાન એજન્સીનાં જણાવ્યા અનુસાર ચોમાસુ છેલ્લા કેટલાક દિવસોેથી પશ્ચિમી કાંઠે થોભી ગયું છ અને તેને મુંબઇ પહોંચવામાં હજુ એક સપ્તાહથી વધુ સમય લાગી શકે છે.
ચોમાસાની આ ધીમી ગતિનું મુખ્ય કારણ બંગાળનાં અખાતમાં કોઇ મજબૂત ઓછા દબાણવાળા ક્ષેત્ર એટલે કે ડિપ્રેશન ન બનવું છે. આ ધીમી ગતિને કારણે દેશના કુલ ૭૨૩ જિલ્લાઓ પૈકી અત્યાર સુધી ફક્ત ૧૦૩ જિલ્લાઓમાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે. જો કે કેરળમાં આગમાન પછી ચોમાસુ દેશનાં ૧૯ રાજ્યોમાં પહોંચી ગયું છે.
જો કે દેશનાં કેટલાક રાજ્યોમાં હવામાનનું મિજાજ બદલાયેલુ છે. રાજસ્થાનનાં જયપુર, ભરતપુર અને કોટા સહિત ૨૩ જિલ્લાઓમાં આજે તોફાન અને વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં બે ઇંચ સુધી વરસાદ પડયો છે. મધ્ય પ્રદેશનાં રાયસેન, છિંદવાડા અને ગ્વાલિયર સહિત ૮ જિલ્લાઓમાં આજે ઝડપી પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
બિહારનાં ભાગલપુર અને પૂર્ણિયા સહિત ૨૬ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજધાની પટણા સહિત અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધારે હતું.
દિલ્હી-એનસીઆરમાં મંગળવારે થયેલા ભારે વરસાદ અને ઝડપી પવનોને કારણે મહત્તમ તાપમાનમાં મોટેો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આજનો દિવસ જૂનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને બિહારનાં અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશનું વારાણસી ૪૩ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.









