Mumbai

ચોમાસું 24 કલાકમાં કેરળથી ગોવા પહોંચ્યું : 10-11 જૂને મુંબઈ પહોંચી શકે

By GS Team
6 Jun 20262 mins read
ચોમાસું 24 કલાકમાં કેરળથી ગોવા પહોંચ્યું : 10-11 જૂને  મુંબઈ પહોંચી શકે

મુંબઇમાં  બપોરે ગરમી- ઉકળાટ , રાતે ગાજવીજ- વરસાદનો સંકેત  

મહારાષ્ટ્રના ૨૦ જિલ્લામાં ગાજવીજ, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાશે

મુંબઇ હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે ૨૦૨૬ની ૫, જૂને  નૈઋત્યની વર્ષા ઋતુનું  ભીનું ભીનું આગમન  છેક  ગોવા સુધી થઇ ગયું છે. હજી ગઇકાલે ૪, જૂને જ ચોમાસાનું આગમન કેરલમના સમુદ્રમાં થયું છે. આમ ફક્ત ૨૪ કલાકના ઓછા સમયગાળામાં  ચોમાસુ કેરળથી છેક  ગોવાના અમુક હિસ્સા સુધી આવી પહોંચ્યું છે. એટલે કે હાલના તબક્કે વર્ષા ઋતુનો  દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફનો પ્રવાસ ઝડપભેર આગળ  વધી રહ્યો હોવાનું સાનુકુળ  ચિત્ર ઉપસી રહ્યું   છે.

 હવામાન વિભાગે એવો વરતારો પણ આપ્યો છે કે હાલ તમામ  કુદરતી પરિબળો સાનુકુળ હોવાથી ચોમાસુ  આવતા ૨ -- ૩ દિવસ દરમિયાન ગોવા થઇને    મહારાષ્ટ્રના   દક્ષિણ   હિસ્સા  ( સિંધુદુર્ગ -- રત્નાગિરિ)  માં પણ પ્રવેશ કરે તેવી  શક્યતા છે. વર્ષા ઋતુનો પ્રવાસ જે ઝડપથી આગળ  વધી રહ્યો છે તે  જોતાં મેઘરાજાની સવારી મુંબઇના આંગણે કદાચ ૧૦ -- ૧૧, જૂને આવી પહોંચે તેવી સંભાવના ખરી.

 હાલ  નૈઋત્યના ચોમાસાની ઉત્તરિય રેખા પંજીમ(ગોવાની રાજધાની)બેંગલુરુ, સાલેમ, પાંબન પરથી પસાર થઇ રહી છે.

   બીજીબાજુ  હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૬થી ૯ -જૂન) દરમિયાન મુંબઇ,થાણે, પાલઘરમાં  બપોરે ગરમી -- ઉકળાટ રહેવાની જ્યારે સાંજે -- રાતે મેઘગર્જના, વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ  સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. સાથોસાથ આ જ દિવસો દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભના ૨૦ કરતાં વધુ જિલ્લામાં પણ ગાજવીજ, તોફાની પવન(  ૪૦-- ૫૦ કિ.મી) સાથે હળવી-મધ્યમ વર્ષા થવાની શક્યતા છે.

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૦ અને લઘુત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૦ અને લઘુત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે ફરીથી મુંબઇગરાંને વાર્મ નાઇટનો અકળાવનારો અનુભવ થયો  હતો.  આજે  કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૧ - ૭૦ ટકા, જ્યારે સાંતાક્રૂમાં ભેજનું પ્રમાણ ૭૪ - ૭૦ ટકા જેટલું ઘણું વધુ રહ્યું  હતું. 

 હાલ મરાઠવાડાથી અરબી સમુદ્રના નૈઋત્ય હિસ્સાથી કોંકણ -ગોવાના ગગનમાં ૫.૮ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો  છે.