છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નું ફ્રી વાઈફાઈ વાપરતાં મોબાઈલ હેક ઃ એપીકે ફાઈલ મોકલી લાખોની ઉચાપત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફોન ના કોન્ટેક લિસ્ટને એક્સેસ કરી તમામને એપીકે ફાઈલ મોકલાઈ
સેક્રેટરીના ફોન પરથી મળેલી એપીકે ફાઈલ ખોલતાં બેન્ક ઓફ બરોડાના જીએમના ક્રેડિટ કાર્ડમાંથી સાડા ચાર લાખના વ્યવહારો
મુંબઈ - મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરનારા એક મોબાઈલ ધારકનો મોબાઈલ હેકરોએ હેક કરી લીધો હતો. તેમણે આ મોબાઈલમાં ઉપલબ્ધ કોન્ટેક લિસ્ટની એક્સેસ મેળવી તમામ કોન્ટેક્ટસ પર એક એપીકે ફાઈલ મોકલી દીધી હતી. આ ફાઈલ ડાઊનલોડ કરનારા બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજરના ક્રેડિટ કાર્ડમાંથી ફક્ત ૨૮ મિનિટમાં ૪.૨૭ લાખની ઉચાપત થઈ ગઈ હતી.
એમઆરએ માર્ગ પોલીસના જણાવ્યા અનુસાર, વડાલાના ભક્તિ પાર્કમાં રહેતા ૫૬ વર્ષીય ગોવિંદ બિશ્વાસ, બેંક ઓફ બરોડાની ફોર્ટ શાખામાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. ૧૮ જુલાઈના રોજ, તેમના અંગત સચિવ, નારાયણ સ્વામી, મુંબઈના સીએસએમટી સ્ટેશન પર હતા. અહીં તેમણે પોતાનો મોબાઇલ ફોન રેલ્વેના ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડયો હતો. એવો આરોપ છે કે ફ્રી વાઈફાઈ નેટવર્કનો લાભ લઈ હેકર્સએ તેમનો હેક કરી લીધો હતો. ત્યારબાદ હેકર્સે તેમના ફોનની સંપર્ક સૂચિમાં રહેલા લોકોને આરટીઓ ચલણ લેબલવાળી એપીકે ફાઇલ મોકલવાનું શરૃ કર્યું હતું.
જ્યારે આ એપીકે ફાઇલ ગોવિંદ બિશ્વાસના મોબાઇલ પર પહોંચી, ત્યારે તેમણે તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી, કારણ કે તેમને લાગ્યું કે તે એક વાસ્તવિક આરટીઓ ચલણ છે. ત્યારબાદ તેમનો મોબાઇલ ફોન હેક કરવામાં આવ્યો હતો અને તે જ નકલી ફાઇલ તેમના કોન્ટેક લિસ્ટના અન્ય વપરાશકર્તાઓને મોકલવાનું શરૃ થયું. ૨૧ જુલાઈના રોજ, તેમણે તેમના મોબાઇલ ફોનમાં અસામાન્ય પ્રવૃત્તિ જોઈ, જેના પછી તેમણે શંકાસ્પદ એપીકે ફાઇલ કાઢી નાખી. તે સમયે, તેમને કોઈ નાણાકીય નુકસાનની જાણ નહોતી. પણ ૩ ઓગસ્ટના રોજ જ્યારે તેમના ક્રેડિટ કાર્ડનું બિલ આવ્યું, ત્યારે તેમને ખબર પડી કે ૨૧ જુલાઈના રોજ માત્ર ૨૮ મિનિટના સમયગાળામાં તેમના ક્રેડિટ કાર્ડ પર પાંચ અનધિકૃત વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ વ્યવહારો દ્વારા કુલ ૪.૨૭ લાખ રૃપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. અસામાન્ય પ્રવૃત્તિની નોંધ લેતા, બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગે ત્યારબાદ સાવચેતી તરીકે કાર્ડ બ્લોક કરી દીધું હતું.
પીડિત અધિકારીએ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી અને પછી એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી. પોલીસ હવે આ હેકિંગ વિશે તપાસ કરી રહી છે.
મફત મળતાં પબ્લિક વાઇ-ફાઇ માં અનેક જોખમો છે. હેકર્સ ખુલ્લા નેટવર્ક પર સરળતાથી પાસવર્ડ, બેન્કિંગ વિગતો અને અંગત ડેટા ચોરી શકે છે. સાયબર નિષ્ણાતો કહે છે કે પબ્લિક વાઇ-ફાઇ પર ક્યારેય ઓનલાઇન બેન્કિંગ કે પેમેન્ટ ન કરવું જોઈએ. પબ્લિક વાઇ-ફાઇ એન્ક્રિપ્ટેડ હોતું નથી, જેથી હેકર્સ સ્પેશિયલ સોફ્ટવેર દ્વારા તમે મોકલેલી માહિતી વાંચી શકે છે. હેકર તમારા અને રાઉટર વચ્ચે જોડાઈને તમારો પાસવર્ડ કે પિન નંબર ચોરી લે છે. હેકર્સ અસલી જેવા જ નામવાળા નકલી વાઇ-ફાઇ બનાવ છે, જેને એવીલ ટ્વીન કહેવાય છે. અસુરક્ષિત નેટવર્ક દ્વારા હેકર્સ તમારા ફોન કે લેપટોપમાં વાયરસ કે માલવેર મોકલી શકે છે. નિષ્ણાતો કહે છે કે તમારા મોબાઈલમાં ઓટો વાઈફાઈ કનેક્ટ મોડ ક્યારેય ઓન રાખવો ન જોઈએ. સંવેદનશીલ કામો માટે તમારાં ઘર કે ઓફિસનાં સુરક્ષિત વાઈફાઈ નેટવર્ક અથવા તો મોબાઈલ ડેટાનો ઉપયોગ વધારે સુનિશ્ચિત છે.









