મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઈન પર આજે મેગા બ્લોક લાદવામાં આવશે

એન્જિનયરીંગ અને જાળવણી કામ માટે કવાયત
હાર્બર લાઈન પર પનવેલ અને કુર્લા વચ્ચે ૨૦ મિનિટના અંતરે વિશેષ સેવાઓ ચલાવાશે
મુંબઈ - મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈન પર વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્ય માટે રવિવારે મેગા બ્લોક રાખવામાં આવશે. મધ્ય રેલવેમાં માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક રહેશે. તો પશ્ચિમ રેલવે પર ગોરેગાવ અને માહિમ- અંધેરી અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર તથા હાર્બર લાઈન પર સીએસએમટી- ચુનાભટ્ટી/બાંદ્રા, તો પનવેલ અને સીએસએમટી વચ્ચે પણ બ્લોક રહેશે.
ટ્રેક સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોના જાળવણી કાર્ય માટે રવિવારે ૨૫ જાન્યુઆરીના રોજ અંધેરી અને ગોરેગાંવ વચ્ચે સવારે ૧૦.૦૦ થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી અને માહિમ અને અંધેરી વચ્ચે સવારે ૧૧.૦૦થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઈન પર જમ્બો બ્લોક લેવામાં આવશે.
બ્લોક સમયાળા દરમિયાન મધ્ય રેલવેની તમામ સીએસએમટી - બાંદ્રા- સીએએમટી અને સીએસએમટી/પનવેલ- ગોરેગાંવ - સીએસએમટી/ પનવેલ હાર્બર લાઈન ટ્રેન સેવાઓ, ચર્ચગેટ અને ગોરેગાંવ વચ્ચે કેટલીક સ્લો ટ્રેન સેવાઓ રદ્દ રહેશે.
મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે ૧૦.૩૬ થી બપોરે ૩.૧૦ વાગ્યા દરમિયાન ઉપડતી ડાઉન ફાસ્ટ લાઈન પરની ટ્રેનોને માટુંગા સ્ટેશનથી ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો માટુંગા અને મુલુંડ વચ્ચે તેમના નિર્ધારિત સ્ટોપ પર રોકાશે અને લગભગ ૧૫ મિનિટ મોડી તેમના ગંતવ્ય સ્ટેશન પર પહોંચશે. થાણેથી આગળની ફાસ્ટ ટ્રેનોને મુલુંડ સ્ટેશનથી ફરીથી ડાઉન ફાસ્ટ લાઈન પર વાળવામાં આવશે.
ઉપરાંત સવારે ૧૧.૦૩ થી બપોરે ૩.૩૮ વાગ્યા સુધી થાણેથી ઉપડતી અપ ફાસ્ટ લાઈન પરની ટ્રેનોને મુલુંડ સ્ટેશનથી અપ સ્લો લાઈન પર વાળવામાં આવશે. આ ટ્રેનો મુલુંડ અને માટુંગા વચ્ચે તેમના નિર્ધારિત સ્ટોપ રોકાશે. ત્યારબાદ આ ટ્રેનો માટુંગા સ્ટેશનથી ફરીથી અપ ફાસ્ટ લાઈન પર વાળવામાં આવશે અને લગભગ ૧૫ મિનિટ મોડી તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે.
દરમિયાન હાર્બર લાઈન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ- ચુનાભટ્ટી/ બાંદ્રા સવારે ૧૧.૪૦ થી સાંજના ૪.૪૦ સુધી અને ચુનાભટ્ટી/ બાંદ્રા- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર લાઈન પર સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ વાશી/ બેલાપુર/ પનવેલ તરફની ડાઉન હાર્બર રુટ સવારે ૧૧.૧૬ થી સાંજે ૪.૪૭ વાગ્યા સુધી અને બાંદ્રા/ ગોરેગાંવ તરફની ડાઉન હાર્બર રુટ પર સવારે ૧૦.૪૮ થી સાંજે ૪.૪૭ વાગ્યા સુધીની સેવાઓ રદ્દ રહેશે.
પનવેલ/બેલાપુર/ વાશી સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીની અપ હાર્બર લાઈન પર સવારે ૯.૫૩ થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધીની સેવાઓ અને ગોરેગાંવ/ બાંદ્રા સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીની અપ હાર્બર લાઈન સેવાઓ સવારે ૧૦.૪૫ થી સાંજે ૫.૧૩ વાગ્યા સુધીની સેવાઓ રદ્દ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા વચ્ચે ૨૦ મિનિટના અંતરે વિશેષ લોકલ સેવાઓ ચલાવવામાં આવશે.
બ્લોક સમયગાળા દરમિયાન હાર્બર લાઈન પરના મુસાફરોને સવારે ૧૦.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મેઈન લાઈન અને પશ્ચિમ રેલવે લાઈન પર મુસાફરી કરવાની ંમંજૂરી આપવામાં આવી છે.









