Mumbai

નેસ્કોની કોન્સર્ટમાં ડ્રગના ઓવરડોઝથી એમબીએ સ્ટુડન્ટ યુવક-યુવતીનાં મોત

By GS Team
15 Apr 20263 mins read
નેસ્કોની કોન્સર્ટમાં  ડ્રગના ઓવરડોઝથી એમબીએ સ્ટુડન્ટ યુવક-યુવતીનાં મોત

એક્સ્ટેસીનું સેવન કર્યા બાદ દારુ પીધો, આડઅસરથી અનેક બેભાન

જાણીતી મેનેજમેન્ટ કોલેજના ૧૫  વિદ્યાર્થીઓના ગૂ્રપમાંથી  એક યુવતી હોસ્પિટલમાં ઃ ડ્રગ ડીલર્સ, નેસ્કોના સ્ટાફ તથા અન્યો સહિત છની ધરપકડ

મુંબઈ -  મુંબઈના  ગોરેગાંવમાં  નેસ્કો સેન્ટર  ખાતે યોજાયેલાં .લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે એમબીએમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી તથા એક વિદ્યાર્થિનીનાં મોત નીપજ્યાં હતાં.  પાર્ટીમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . પોલીસે આ ગુનામાં  સંબંધમાં ઇવેન્ટ આયોજક, એક શંકાસ્પદ ડ્રગ સપ્લાયર અને બે વિદ્યાર્થીઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. 

શનિવાર, ૧૧ એપ્રિલના રોજ, નેસ્કો સેન્ટરના હોલ નંબર પાંચમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે પ્રવેશ ફી રૃ. ૨,૦૦૦ લેવામાં આવી હોવાનું કહેવાય છે. દક્ષિણ મુંબઈની એક પ્રખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક જૂથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લગભગ ૧૫ થી ૧૬  વિદ્યાર્થીઓ અલગ અલગ ગૂ્રપમાં અહીં આવ્યા હતા. કોન્સર્ટમાં જતી વખતે  સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ એક્સટેસી  (એમડીએમએ)નામનાં  અને યલો પીલ તરીકે પણ ઓળખાતાં ડ્રગનું સેવન કર્યુ ંહતું. જે  વિદ્યાર્થીનું મોત નીપજ્યું તેણે કોન્સર્ટમાં પહોંચતાં પહેલાં ટેક્સીમાં એક પીલ લીધી હોવાનું તથા બાદમાં કોન્સર્ટમાં બીજી પીલ લીધી હોવાનું કહેવાય છે. 

તેની સાથે કોન્સર્ટ દરમિયાન દારુ પણ  પીધો હતો. બાદમાં કેટલાક વિદ્યાર્થીઓની હાલત કથળી હતી. મધરાત્રિ બાદ બારથી સાડા બાર વચ્ચે દરમિયાન અમુક યુવાનોમાં શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ખેંચાણ જેવા લક્ષણો જોવા મળ્યાં હતાં. કેટલાંક યુવક-યુવતી બેશુદ્ધ થઈને ઢળી પડયાં હોવાનું કહેવાય છે.  આ ઘટના બાદ, હાજર અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

  તેમને જોગેશ્વરીની હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક યુવક તથા એક યુવતીનાં મોત નીપજ્યાં હતાં  જ્યારે અન્ય એક યુવતી હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.   આ યુવતીનું નિવેદન લીધા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. 

 વનરાઈ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી બે વિદ્યાર્થીઓ, એક શંકાસ્પદ ડ્રગ સપ્લાયર અને કોન્સર્ટના આયોજન સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સહિત છ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને ગુરુવાર સુધીના રિમાન્ડ અપાયા છે. 

 દરમિયાન , આ પાર્ટી માટે એક્સાઇઝ વિભાગની પરવાનગી હતી કે નહીં?  તેની  તપાસ હાલમાં ચાલી રહી છે. 

સાવ સમીપ પોલીસ મથક છતાં પોલીસ  ઉંઘતી રહી

  આ કોન્સર્ટમાં અહીં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટને ફક્ત રાત્રે ૧૦  વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી હતી.પરંતુ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.  કાર્યક્રમ સમાપ્ત થયા પછી પણ  કેટલાક યુવાનોએ બ્લૂટૂથ સ્પીકર્સ ગોઠવી દીધા હતા અને વિસ્તારમાં ઘોંઘટ  કર્યો હતો. કાર્યક્રમમાં પ્રવેશ સમયે યુવાનોની ભારે ભીડ હતી. યુવાનો મેટલ ડિટેક્ટર અને બેરીકેડ પર ચઢી ગયા અને કોન્સર્ટ હોલમાં પ્રવેશ કર્યો હોવાનું કહેવાય છે.  મહત્વની વાત એ છે કે આ સ્થળથી ચાલીને જવાના અંતરે એક પોલીસ સ્ટેશન છે, પરંતુ પોલીસને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.

 કોની કોની ધરપકડ ? 

વિહાન ઉર્ફે આકાશ સમલ , આયોજક 

સન્ની જૈન, નેસ્કો સેન્ટર ઓર્ગેનાઈઝર

બાલકૃષ્ણ કુરૃપ, સિક્યોરિટી અધિકારી, નેસ્કો 

રૌનક ખંડેલવાલ, ડ્રગ ડીલર 

આનંદ પટેલ, મુખ્ય ડ્રગ ડીલર (કલ્યાણથી ધરપકડ)

પ્રતીક પાંડે ,ડ્રગ ડીલર.

ડ્રગનું પગેરું શોધવા  ૧૨નાં  નિવેદન લેવાયાં

પોલીસે અત્યાર સુધીમાં ઘટનાસ્થળે હાજર અને કેસ સાથે સંકળાયેલા ૧૨થી વધુ  લોકોના વિગતવાર નિવેદનો નોંધ્યા છે. આ ડ્રગ્સની ખરીદી અને સપ્લાય ચેઇનની વિગતો મેળવવામાં આવી રહી છે. 

     તપાસ  દરમિયાન બહાર આવેલી માહિતી મુજબ આરોપી મુંબઈની બહારથી ડ્રગ્સ લાવ્યો હતો. આ ડ્રગ્સ શહેરમાં કેવી રીતે આવ્યું અને તેની પાછળ કઈ ગેંગ સક્રિય છે તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.આ  ઉપરાંત પોલીસ હાલમાં ૨૦-૨૫  વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેલા અન્ય ડ્રગ પેડલરોને શોધી રહી છે.