Mumbai

વિટામીન સીના પેકેટમાં 4 કરોડનો ગાંજો સંતાડી દાણચોરી

By GS Team
21 May 20261 min read
વિટામીન સીના પેકેટમાં 4 કરોડનો ગાંજો સંતાડી દાણચોરી

થાણેનો રહીશ એરપોર્ટ પર ઝડપાયો

કોલંબબોથી બેંગકોક થઈને આવ્યો હતો ઃ ઝડપી પૈસા કમાવાની લાલચમાં કૃત્ય

મુંબઇમુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (સીએસએમઆઇએ) પરથી કસ્ટમ અધિકારીઓએ બેંગકોકથી આવેલા વિટામીન સીના પેકેટમાં છુપાવવામાં આવેલા ડ્રગ્સની દાણચોરી કરવાના આરોપમાં ૪૯ વર્ષીય  વ્યક્તિની ધરપકડ કરી હતી.

કસ્ટમ્સ  સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે  થાણેનો રહીશ  એચએસ નલવાલા  કોલંબોથી બેંગકોક થઇને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (સીએસએમઆઇએ) મુંબઇ પહોંચ્યા પછી સ્પોટ પ્રોફાઇલિંગના આધારે અટકાવવામાં આવ્યો હતો. તેને એક્ઝિટ ગેટ પાસે અટકાવ્યા બાદ તેના સામાનની તપાસ કરવામાં આવતા બેગની અંદર છુપાવેલ થોડા કપડાં અને આઠ વિમાની સીના પાઉચ મળી આવ્યા હતા.

આ આઠેય પાઉચને એક પછી એક ખોલવામાં આવતા દરેક પાઉચમાં ભૂરા રંગની ટેપથી લેપેટેલા એરટાઇટ પારદર્શક પ્લાસ્ટિકના પેકેટો મળી આવ્યા હતા. જેમા લીલા રંગના સૂકા પાંદડાવાળો તીવ્ર ગંધ ધરાવતો પદાર્થ મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો (કેનાબીસ) છે. જે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એકટ હેઠળ આવરી લેવામાં આવતો નાર્કોટિક પદાર્થ છે. આ પ્રતિબંધિત વસ્તુનું વજન ૩,૯૯૫   ગ્રામ હતી અને તેની કિંમત આશરે ચાર કરોડ રૃપિયા આંકવામાં આવી હતી.

આરોપીએ પોતે  સરળતાથી અને ઝડપથી પૈસા કમાવવા આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. આ કેસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ ખુલી હોવાથી તેમને ઓળખવા અને પકડવાના પ્રયાસો ચાલુ છે તેમ એક  કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું.