ગરીબનગરની ઝૂંપડપટ્ટી તોડાતાં અનેક બાળકલાકારો બેધર બન્યાં

'સ્લમડોગ મિલિયોનર'માં પણ અહીંના બાળકલાકરો ઝળક્યાં
હતાં
શિક્ષણ
અને શૂટિંગ બંધ થતાં અનેક બાળકોના ભવિષ્ય જોખમમાં
મુંબઈ
- બાંદરાના ગરીબ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થયેલી તોડફોડ
કાર્યવાહીથી અનેક બાળ કલાકારો ફરી એકવાર બેઘર બન્યા છે. આ વિસ્તારનો સંબંધ ઓસ્કાર
વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર' સાથે
પણ રહ્યો હોવાથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં રહેતા અનેક બાળકો નાના-મોટા
રોલ, એક્સ્ટ્રા આટસ્ટ અથવા જાહેરાતોમાં કામ કરતાં હતાં.
પરંતુ તાજેતરની કાર્યવાહી બાદ અનેક પરિવારો રસ્તા પર આવી ગયા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ અને અભિનયનું કામ બંને અટકી ગયું છે.
અઝહરુદ્દીન
મોહમ્મદ ઈસ્માઈલ (છોટા સલીમ) અને રુબિના અલી (નાની લતિકા) જેવા બાળ કલાકારો પણ
ગરીબ નગર વિસ્તારથી જ સામે આવ્યા હતા. વર્ષ ૨૦૦૯માં સ્લમડોગ મિલિયોનરને
આંતરરાષ્ટ્રીય સફળતા મળતાં આ બાળકો વિશ્વભરમાં જાણીતાં બન્યા હતાં, છતાં તેમનાં જીવનમાં
ગરીબી અને અસુરક્ષાની સ્થિતિ યથાવત્ રહી હતી. તે સમય દરમિયાન પણ મુંબઈ
મહાનગરપાલિકાની કાર્યવાહી દરમિયાન તેમની ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી હતી અને
પરિવારોને પૂરતી પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી તેવી માહિતી સામે આવી હતી.
હાલની
કાર્યવાહીથી સેંકડો પરિવારો સાથે ઘણા બાળ કલાકારો પર ભૂખમરો અને બેઘર થવાની સ્થિતિ
ઊભી થઈ છે. કાસ્ટિંગ કોઓડનેટર પરવેઝ શૈખે એક મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, અનેક બાળકો હવે શૂટિંગ
માટે જઈ શકતાંનથી, કારણ કે તેમની પાસે રહેવા માટે છત જ બચી
નથી. કેટલાંક બાળકોને દિવસનું માત્ર ૫૦૦ રૃપિયા જેટલું માનધન મળતું હતું, જે હવે સંપૂર્ણ બંધ થઈ ગયું છે. અનેક પરિવારો રસ્તા પર સૂવા મજબૂર બન્યા
છે અને તેમની ઘરવખરી પણ ખુલ્લામાં પડી છે.
ગરીબ
નગરમાં થયેલી આ કાર્યવાહી માત્ર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી સુધી મર્યાદિત રહી
નથી, પરંતુ
તેનો સીધો પ્રભાવ બાળ કલાકારોના જીવન અને તેમના ભવિષ્ય પર પડયો છે. સ્લમડોગ
મિલિયોનર દ્વારા આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવનાર આ બાળકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે
સંઘર્ષ કરી રહ્યા છે, તે હકીકત ફરી એકવાર સામે આવી છે.




